Surat,તા.05 રા
સુરત પાલિકાના કતારગામ ઝોનની વિવાદી કામગીરી માટે ગઈકાલે મંગળવારે મોરચો આવ્યો હતો અને દસ દિવસમાં પરિણામ ન આવે તો મેયરની ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી. ત્યારબાદ બુધવારે અચાનક કતારગામ ઝોને ફરિયાદ હતી તે જગ્યાએ ગેરકાયદે બાંધકામ દુર કરવા સાથે સાથે અન્ય જગ્યાએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. આટલું જ નહી પરંતુ ડિમોલિશનની કામગીરી કરવા સાથે વહીવટી ચાર્જ પેટે ગેરકાયદે બાંધકામ કરનારા પાસેથી 3.75 લાખ પણ વસુલવામાં આવ્યો છે.
સુરત પાલિકા વિસ્તારમાં લોકોની સમસ્યાનો હલ કરવો હોય તો સાદી અરજી કે ફરિયાદના બદલે આક્રમક મોરચો લાવે તો જ કામગીરી થતી હોવાનું સાબિત થયું છે. ગઈકાલે પાલિકાના કતારગામ ઝોન અને ઝોનલ ઓફિસરની વિવાદી કામગીરી અને તોડ કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે મહિલાઓ સહિતનો મોરચો આવ્યો હતો. આ મોરચામાં મેયર ઓફિસમાં હંગામો કરીને દસ દિવસમાં પરિણામ ન આવે તો મેયર ઓફિસમાં ધરણા કરવા માટેની ચીમકી આપી હતી. આ ચીમકી કામ કરી ગઈ હતી અને આજે કતારગામ ઝોનમાં કોસાડ-વરિયાવ સહિત વેડરોડ પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કરવાની કામગીરી કરવામાં આવી હતી અને મોટાપાયે ડિમોલિશનની સાથે દબાણ દુર કરવામાં આવ્યા હતા. જેમાં કોસાડ-વરિયાવ માં ફાયનલ પ્લોટ 220 માં સબ પ્લોટ નંબર 1, 5, 6 અને 20, 21, 22 માં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યુ હતું અને ચાર્જ પેટે 3.75 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કતારગામ ઝોનની ટીમ દ્વારા વિરામ નગર પ્રાથમિક શાળા, વેડરોડ તથા દાવલશા મેઇન રોડથી પાથરણું દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. સાથે સાથે સિંગણપોર નવો મહોલ્લો અને હરીદર્શનના ખાડા પાસેથી શાકભાજીના પાથરણા પણ દુર કરાયા હતા. અને અમરેલી ક્રોસ રોડ પરના લારીના દબાણ દુર કરી દીધા હતા. છેલ્લા ઘણા વખતથી લોકો ફરિયાદ કરતાં હતા પરંતુ ઝોન દ્વારા કામગીરી કરવામાં આવતી ન હતી પરંતુ ગઈકાલે મોરચો આવ્યો અને ચીમકી આપવા સાથે પાલિકાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બુધવારે ડિમોલીશની કામગીરી થઈ તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.