Amreli ,તા.8
દિવાળીનું વેકેશન સમાપ્ત થતાં અને લગનની સિઝન શરૂ થતાં જ અમરેલી જિલ્લામાંથી સુરત અને મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો હાઉસફૂલ દોડી રહી છે. તેમ છતાં પણ અમરેલી જિલ્લા માટે કોઈ વધારાની કોઈપણ ટ્રેન કે વધારાનો કોચ જોડવાની જાહેરાત હજુ સુધી ન થઈ હોવાથી નાછૂટકે લોકોએ ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવી પડે છે. અને ખાનગી ટ્રાવેલ્સ બસના ભાડામાં બેફામ રીતે લૂંટ ચાલી રહી છે.
અમરેલી જિલ્લામાંથી 20 લાખ કરતા પણ વધારે લોકો હિરા તથા અન્ય વ્યવસાયના કારણે સુરત અને ઘણા લોકો અમદાવાદ તથા મુંબઈ સ્થાયી થયા છે. સુરતમાં મોટા ભાગના લોકો પોતાના વતનમાં પરિવાર સાથે દિવાળી મનાવવા માટે આવે છે. અને દિવાળી બાદ ધીરે ધીરે સુરત પરત જવાનું શરુ થાય છે. દર વર્ષે રેલવે દ્વારા અમરેલી જિલ્લામાંથી સુરતને જોડતી વધારાની સ્પેશ્યલ ટ્રેન મહુવાથી શરુ કરવામાં આવે છે.
અને વર્તમાન ટ્રેનમાં પણ વધારાના કોચ જોડવાની જાહેરાત કરવામાં આવે છે પણ આ વખતે આવી કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી ના હોવાથી આજે હજારોની સંખ્યામાં લોકોની ઇચ્છા હોવા છતા પણ વ્યવસાયના સ્થળે જવા માટે ટ્રેનનો લાભ લઈ શક્યા નથી. કોઈપણ રાજકીય નેતાઓ પણ ટ્રેન શરૂ કરાવવા માટે થઈ આગળ આવ્યા ના હોતા.
અમરેલી જિલ્લામાંથી ચાલતી હાલની એક માત્ર મહુવા સુરત અને સપ્તાહમાં બે દિવસ ચાલતી મહુવા મુંબઈ ટ્રેન ચાલે છે. તેમાં પણ 19 તારીખ સુધી તમામ સીટ ફૂલ છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ભાડામાં બેફામ રીતે લૂંટ ચાલવવામાં આવે છે. 500 રૂપિયા વાળી ટિકિટનાં 3 હજાર સુધી ભાવ લેવામાં આવે છે.અમરેલી જિલ્લામાંથી વડીયા, લાઠી, ચિતલ, ઢસા સહિતના વિસ્તારમાંથી પસાર થતી ઢસા જેતલસર બ્રોડગેજ લાઈન બને તે માટે કેટલાએ વર્ષોથી લડત ચલાવવામાં આવી હતી.
ત્યાર પછી બ્રોડગેજ લાઈન બની ગયાને પણ વર્ષો વીતી ગયા છે. પણ હજુ સુધી આ રેલ્વે ટ્રેકમાં મુંબઈને જોડતી અઠવાડિયે માત્ર એક ટ્રેન શરુ કરવામાં આવી છે. જ્યારે વેરાવળથી ઉપડતી અનેક લાંબા રૂટની ચાલી રહી છે.
છતાં પણ આવી એક પણ ટ્રેન આ વડીયા, લાઠી, ચિતલ, ઢસા સહિતના રૂટ ઉપર ચલાવવામાં આવતી નથી. છતાં પણ સ્થાનિક નેતાઓ દ્વારા પણ વધારાની ટ્રેન કોઈ રજૂઆત કરતા નથી.

