Surat ,તા.16
સુરત શહેરમાં આ વર્ષે દિવાળી પહેલા શહેરની સ્વચ્છતાને ગ્રહણ લાગી રહ્યું છે. સુરતીઓ દિવાળીની સફાઈ કરી કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનને આપવાના બદલે સીધો સોસાયટી બહાર કે રોડ પર ઢગલો કરી રહ્યાં છે. તો બીજી તરફ અનેક જગ્યાએ ગાર્ડન વેસ્ટ પણ મોટા પ્રમાણમાં રોડ પર જોવા મળી રહ્યું છે. સામી દિવાળીએ સુરતની સફાઈની કામગીરીને ગ્રહણ લાગ્યું છે તેના માટે પાલિકા તંત્રની સાથે સાથે સુરતીઓ પણ જવાબદાર છે તેના કાણે સ્વચ્છ સુરત ગંદકીમાં ફેરવાઈ રહ્યું છે. આગામી નજીકના દિવસોમાં દિવાળીનો તહેવાર હોય સુરતને કર્મભુમિ બનાવી વસવાટ કરતા પરપ્રાંતિય ક અન્ય જિલ્લાના લોકો પોતાના વતન જઈ રહ્યા છે. તો બીજી તરફ સુરતીઓ ઘરની સફાઈ કરી રહ્યા છે. પરંતુ તેના કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે સોસાયટી બહાર કે મહોલ્લા બહાર અથવા તો જાહેર રોડ પર નિકાલ કરી રહ્યાં છે. સુરતીઓ ગાદલા, તકીયા સાથે તૂટી ગયેલી બેગ કે અન્ય ઘરવખરીનો સામાન બહાર કાઢી રહ્યાં છે. પરંતુ આ સામાન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં આપવાના બદલે જાહેરમાં ફેંકી રહ્યા છે તેના કારણે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે.