Suratતા.૨૦
નારી તુ નારાયણી કહેવાય છે, પણ હવે સુરતમાં આ સૂત્ર બરોબર લાગુ થવા જઈ રહ્યુ છે. સુરત શહેરની સુરક્ષાનો મહત્વનો હવાલો મહિલા અધિકારીઓના શિરે આવ્યો છે. તેથી કહી શકાય કે સુરત શહેરમાં મા જગદંબાનો પ્રતાપ જોવા મળશે અને મહિષાસુરોનો વધ થશે.
રાજ્યમાં ૧૧૬ આઇપીએસની સાગમટે બદલી કરવામાં આવી તેમા સુરતના આઠ મહિલા આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આમ ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ સુરતના ઇતિહાસમાં પણ પહેલી વખત ૧૫ ડીસીપીમાંથી ૯ પર મહિલા અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
સુરત શહેરમાં જ્યાં ગુનાખોરી વધારે છે ત્યાં પાંડેસરા અને અલથાણામાં ડીસીપી તરીકે મહિલાઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ફક્ત આટલું જ નહીં સુરતનો સાઇબર સેલ, ટ્રાફિક અને મરીન ટાસ્ક ફોર્સની જવાબદારી પણ સ્ત્રીશક્તિના શિરે મૂકવામાં આવી છે.
સુરત શહેરમાં ડો. નિધિ ઠાકુરને ડીસીપી ઝોન-૪, ડો. કાનન દેસાઈને ડીસીપી ઝોન-૨, શેફાલી બરવાલને ડીસીપી ઝોન-૭, પન્ના મોમાયાને ડીસીપી ટ્રાફિક, વિશાખા જૈનને સાઇબર સેલના ડીસીપી, જુલી કોઠિયાને સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી, ભક્તિ ડાભીને ડીસીપી હેડક્વાર્ટર, અનુપમ ટ્રાફિકના ડીસીપી જ્યારે શ્રેયા પરમાર મરીન ટાસ્ક ફોર્સના ડીસીપી બનાવાયા છે.
સુરતના ગુનાખોરી માટે જાણીતા પાંડેસરા અને અલથાણામાં ડીસીપી ઝોન-૪ નિધિ ઠાકુર કાયદો અને વ્યવસ્થા સંભાળશે. આ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવનારને તો નોબેલ પ્રાઇઝ આપવો જોઈએ તેવું સ્થાનિકો કહે છે. આ બતાવે છે કે આ વિસ્તાર કેટલો સંવેદનશીલ છે. આ ઉપરાંત ગુનાખોરીનું ઊંચુ પ્રમાણ ધરાવતા લિંબાયત, ગોડાદરા અને ડીંડોલી જેવા પોલીસ મથકોનો ધરાવતા ઝોન-ટુમાં કાનન દેસાઈ ગુનેગારો પર તવાઈ બોલાવશે. તેમની નિમણૂકના પગલે ગુનાખોરીમાં ઘટાડો થશે તેમ માનવામાં આવે છે.
આ ઉપરાંત સુરતમાં સાઇબર ફ્રોડના કેસોના પ્રમાણમાં થયેલા વધારાને જોતાં તેને નિયંત્રિત કરવા પહેલી જ વખત સુરતના સાઇબર સેલમાં ડીસીપીની પોસ્ટ રચવામાં આવી છે. તેની જવાબદારી વિશાખા જૈનને સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી સાઇબર ગુનાખોરી અંકુશમાં આવશે તેમ મનાય છે