Surendranagar, તા. 18
સાયલાના ગોસળ ગામ પાસેના પાટિયા સામે મંગળવારે જામનગરના ભાઈ અને બહેન કાર લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા નજીકથી પસાર થતાં આઇસર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર પલટી મારી જતા રસ્તેથી નીચે ઉતરી ગઇ હતી. આથી કારમાં બેઠેલા મહિલાને ગંભીર ઈજા થઇ હતી.
આ બાબતની સાયલા 108ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ કારમાં બેઠેલા મહિલા 55 વર્ષના જયશ્રીબેન અભયભાઈ કારમાં ફસાઈને ગંભીર હાલતમાં જોવામાં આવતા 108ના ઇએમટી પ્રવીણભાઈ વાઘેલા અને વિજયસિંહ જાડેજાએ અન્ય ટ્રકચાલકોને મદદથી જયશ્રીબેનને કારમાંથી બહાર કાઢ્યા હતા.
ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સાયલા લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જયશ્રીબેનનું મોત થયું હતું. જ્યારે કારના ચાલક અને જયશ્રીબેનના ભાઈ દિનેશભાઈ ધનજીભાઈને શરીરના ભાગે ઇજા થતાં સારવાર આપવામાં આવી હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા.
જ્યારે બીજા અકસ્માતના બનાવમાં મંગળવારે સાયલા-મૂળી બાયપાસ પાસે આવીને હોટેલ નજીક છ વ્હીલ ધરાવતો ટ્રક અન્ય કારણોસર સાઈડમાં કરીને ટ્રક ચાલક કરસનભાઈ રામજીભાઈ ડોડા ઉભા હતા. દરમિયાન પૂર ઝડપે આવતા આઠ વ્હીલ ધરાવતા ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા કરસનભાઈ રામજીભાઈને અડફેટે લીધા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે મૂળી 108 દ્વારા સાયલા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાને કારણે વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ કરસનભાઈને વધુ સારવાર મળે તે પહેલા મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે સાયલા પોલીસે જુદા જુદા અકસ્માતની ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.