Surendranagar,તા.૧૯
આજરોજ કલેકટર કચેરી ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પ્રસંગ હતો પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાયી થયેલા ૦૪ વ્યક્તિઓને ભારતીય નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવાનો. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટ, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના વરદહસ્તે ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ની કલમ ૫(૧)(ઈ) અંતર્ગત ૦૪ વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી માતા-પિતા સાથે પાકિસ્તાનથી આવીને વસેલા ભાવિનાબેન રમેશકુમાર મહેશ્વરી, નિશાબેન રમેશકુમાર મહેશ્વરી, હિંમતકુમાર રમેશકુમાર મહેશ્વરી અને મનોજકુમાર રમેશકુમાર મહેશ્વરીને તેઓના માતા-પિતાને વર્ષ ૨૦૦૭માં ભારતીય નાગરિકતા મળી હતી. ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ની કલમ ૫(૧)(ઈ) ભારતીય નાગરિકતા મેળવવા અંગેની અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે અરજી કરતાં જરૂરી આધાર-પુરાવોની ચકાસણી કરી ગૃહ વિભાગ ગાંધીનગરને દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપતા નાગરિકતા એનાયત કરવામાં આવી હતી.
ભારતની નાગરિકતા મળતાં લાગણીશીલ બની સ્થળાંતરીતોએ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર, નાયબ મામલતદાર શ્રી સુરેશભાઈ જાસલપુરા, ક્લાર્ક શ્રી રવિરાજસિંહ ગોહિલ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.