Surendranagar, તા.4
સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાએ ગટરની સમસ્યા સાથે પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જવાની સમસ્યા યથાવત હોવા છતાય મ.ન.પા.દ્વારા સમસ્યા નહી ઉકેલાતા પાટડી ધારાસભ્યએ વઢવાણ ધારાસભ્યને સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી.સુરેન્દ્રનગર મહાનગરપાલીકા થવા છતાય શહેરમાં અનેક સોસાયટીઓમાં રસ્તાની,પાણી સમયસર નહી આવતા હોવાની,ગટર ઉભરાવાની અને સૌથી ગંભીર સમસ્યા પાણી સાથે ગટરના પાણી ભળવાની સમસ્યા સર્જાઇ રહી છે.
ત્યારે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડની ગાયત્રી પાર્ક,ક્રિષ્ના પાર્ક-1-2 વિસ્તારમાં 200 થી પણ વધારે રહેણાકના મકાનોમાં પીવાના પાણી સાથે ગટરનુ ગંદુ પાણી મીક્ષ થઇને આવે છે મ.ન.પા.માં રજૂઆત છતાય ઉકેલ આવતો નથી.ત્યારે પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર આ વિસ્તારમાં આવી પહોચતા સામાન્ય લોકોની જેમ લોકો વચ્ચે જાહેરમાં બેસી સામાજીક ચર્ચા કરતા સમયે લોકોએ આ ગંભીર સમસ્યાની રજૂઆત કરી હતી.
જેથી પાટડીના ધારાસભ્યએ વઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાને આ વિસ્તારની ગંદાપાણી ભળવાની સમસ્યા ઉકેલવા મ.ન.પા.દ્વારા તાત્કાલીક યોગ્ય કાર્યવાહી થાય એવી રજૂઆત કરી હતી. આમ મ.ન.પા.ના અધિકારીઓના તાનાશાહી જેવા વર્તન અને મનમાની ના કારણે લોકોની સમસ્યા ઉકેલવા એક ધારાસભ્યએ બીજા ધારાસભ્યને રજૂઆત કરવી પડે છે.આમ હવે આ ગંભીર સમસ્યા કયારે ઉકેલાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.