ખેડૂતો જાતે પણ કૃષિ પ્રગતી એપ મારફતે પોતાના નુકશાનગ્રસ્ત પાકનો ફોટો અપલોડ કરી નુકશાનની વિગતો નોંધાવી શકશે
Junagadh તા.૩૦
જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની બાબતે ખેતીવાડી ખાતાની ૮૫ ટીમો દ્વારા જિલ્લાના તમામ તાલુકાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત સંબંધિત ગામોમાં નુકશાનગ્રસ્ત ખેતરોની મુલાકત લઇ સર્વે કરશે.
ખેડૂત જાતે પણ કૃષિ પ્રગતી એપ મારફતે પોતાના ખેતરની વિગતો અને ખેડૂતએ પોતાના ખેતરમાં વચ્ચે ઉભા રહીને સમગ્ર નુકશાનગ્રસ્ત પાક કે પલળેલા પાથરાઓ હારમાં દેખાઇ તે રીતે ફોટો એપમાં અપલોડ કરવાનો રહેશે. નુકશાનગ્રસ્ત પાકનો ફોટો અપલોડ કરી નુકશાનની વિગતો નોંધાવી શકશે. અથવા ગ્રામ પંચાયતેથી ગામના મોબાઇલના જાણકાર વ્યક્તિને નિયમોનુસાર પ્રાઇવેટ સર્વેયર તરીકે નિમણુંક કરી, સર્વેયર મારફત કૃષિ પ્રગતિ એપ દ્વારા સર્વેની કામગીરી કરી શકાશે. જે અંગે સર્વે ટીમને સર્વેયર શોધવામાં મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવે છે.
આ કામગીરી હાલમાં ચાલુ હોય તથા દિવસ ૮ માં પુર્ણ કરવાની હોય આપના પાક નુકશાની (ઉભા પાક કે પાથરા પલળેલ હોય) સર્વે બાબતે આપના નામની નોંધણી ગ્રામ પંચાયત ખાતે વહેલી તકે કરાવવા અથવા કૃષિ પ્રગતિ એપ દ્વારા જાતે વિગતો અપલોડ કરવા સહકાર આપવા ખેતીવાડી ખાતા તરફથી અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક તેમજ જિલ્લા કક્ષાએ ફોન નંબર ૦૨૮૫ ૨૯૬૦૧૬૬ પર ૧૦:૩૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

