Gandhinagar, તા.૧૧
આમ આદમી પાર્ટીમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાતો રહે છે. આવામાં વધુ એક દિગ્ગજ નેતાની વિકેટ પડી છે. આપ પાર્ટીના ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પક્ષને રાજીનામું આપ્યું છે. આપ ગુજરાતના ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપતો પત્ર લખ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર લખી જાણકારી આપી છે. આપ પાર્ટીમાં પ્રદેશ આગેવાનો દ્વારા સતત અવગણના અને નીતિ રીતિથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે.
તેમણે પત્રમાં લખ્યું કે, અમો આમ આદમી પાર્ટીના વિવિય હોદ્દા પર કાર્ય૨ત છીએ પરંતુ પક્ષના કેટલાક પ્રદેશ આગેવાનો તરફથી થતી અવગણના અને તેઓની નીતિરીતિઓથી નારાજ થઈને તેમજ જે વિઝન સાથે અમો પક્ષમાં જોડાયા હતા તે પૂર્ણ થઇ શકે તેવી કોઈ શક્યતા જણાતી નહી હોવાથી હું. આમ આદમી પાર્ટીના નીચે જણાવેલ તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. પ્રદેશ સંગઠન મંત્રી-મધ્ય ઝોન,ગુજરાત, પ્રભારી-ગાંધીનગર લોકસભા બેઠક અને પ્રભારી-ગાંધીનગર ઉત્તર વિધાનસભા સુર્યસિંહ ડાભી પક્ષપલટા માટે સતત ચર્ચામાં રહેતા હોય છે. પહેલા તેઓ કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતું ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. તે સમયે પણ તેઓએ આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂર્યસિંહ ડાભીએ રાજીનામું મોકલી આપ્યું હતું. ગાંધીનગરની એક પણ બેઠક પર રાજપૂત સમાજને આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપતા રાજપુત સમાજ નારાજ છે તેવું કારણ તેઓએ દર્શાવ્યું હતું.
આમ, એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત મિશન પર ફોકસ કરી ગુજરાતમાં પોતાના પગ મજબૂત કરવા મથી રહ્યાં છે. ત્યાં બીજી તરફ, આપ ગુજરાતમાં નારાજગીના દોર ચાલી નીકળ્યા છે. હાલમાં જ આપના ધારાસભ્ય હેમંત ખવા ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. તો ત્યાં બોટાદમાં આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની નારાજગી દર્શાવી હતી. ઉમેશ મકવાણાએ ગુજરાત વિધાનસભામાં આપના દંડકના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલ્યું હતું, જેમાં જણાવ્યું કે પાર્ટીમાં મારી સામાજિક સેવાઓ ઘટી જવાથી હું તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.