Mumbai,તા.28
ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. સૂર્યકુમારે જણાવ્યું છે કે શ્રેયસની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યુ કે,’શ્રેયસની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તે ફોન પર અમને જવાબ આપી રહ્યો છે. આનો અર્થ એ છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ડૉક્ટરો તેમની સંભાળ રાખી રહ્યા છે. આગામી થોડા દિવસો સુધી તેમનું નિરીક્ષણ કરવામાં આવશે. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’
સૂર્યકુમાર યાદવે પ્રથમ દિવસે જ્યારે ઇજાના સમાચાર મળ્યા ત્યારેની પરિસ્થિતિ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “પહેલા દિવસે જ્યારે મને ખબર પડી કે શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત છે, ત્યારે મેં પહેલા તેને ફોન કર્યો. પરંતુ જ્યારે મને ખબર પડી કે તેની પાસે ફોન નથી, ત્યારે મેં મારા ફિઝિયોને ફોન કર્યો. તેણે મને કહ્યું કે તે સ્થિર છે. હું તમને કહી શકતો નથી કે પહેલો દિવસ કેવો હતો, પરંતુ તે હવે સારો લાગે છે. અમે બે દિવસથી વાત કરી રહ્યા છીએ. તે જવાબ આપી રહ્યો છે. જો તે ફોન પર જવાબ આપી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે તે સ્થિર છે.’આ ઘટના 25મી ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ ODI મેચ દરમિયાન બની હતી. કવર એરિયામાં એલેક્સ કેરેનો કેચ પકડવાના પ્રયાસમાં ડાઈવ લગાવતી વખતે ઐયરને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થઈ હતી. ઈજા બાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
BCCIએ 27મી ઓક્ટોબરે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે શ્રેયસ ઐય્યરને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થઈ છે. વધુ તપાસ માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્કેન રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેની સ્પ્લીન (બરોળ) માં ઈજા થઈ છે.અહેવાલો અનુસાર, ઈજાના કારણે તેને આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) પણ થયો હતો, પરંતુ હાલમાં તે જોખમની બહાર છે. BCCI દ્વારા નિયુક્ત ડૉક્ટર રિઝવાન ખાનની ટીમ છેલ્લા ત્રણ દિવસથી તેની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

