Junagadhતા.01
જૂનાગઢ મહાપાલિકાને ભાજપી શાસકોએ કૌભાંડ કરવા માટેનું માધ્યમ બનાવી દીધી હોય તેવો ઘાટ ઘડાયો છે. અવાર-નવાર કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે તો રેકર્ડ પર પણ કૌભાંડની ચાડી ફૂંકાઈ રહી છે. જૂનાગઢ મનપા દરરોજ વધુમાં વધુ ૧૪૦ ટન કચરો એકઠો કરે છે તેના બદલે દરરોજનો ર૯૦ ટન કચરાનો નિકાલ કરવા માટેનું અડધું કામ કરાવી લીધુ અને અડધા કામનો વગર ટેન્ડરે વર્ક ઓર્ડર આપી દીધો છે. આ કૌભાંડ એટલી હદે શંકાસ્પદ છે કે, સ્થાયી સમિતિ અગાઉ એવું કહે કે આ એજન્સી સારી છે તેથી તેને કામ આપવું છે બાદમાં કામ ન આપે, ટેન્ડર બહાર પાડે, ટેન્ડર રદ કરે, વળી ફરી પાછું તેને જ કામ આપવાની ભાજપના શાસકોની નીતિ શું છે તે સૌ સમજે છે.
ડિસેમ્બર ર૦રરમાં ગુણાર્થ એજન્સીએ ઈવનગર સ્થિત ડમ્પિંગ સાઈટ ખાતે ઘન કચરાનો નિકાલ કરી નાખ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી ર૦ર૩થી માર્ચ ર૦રપ સુધીના કચરાના નિકાલ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. આ સમયગાળાના ર૭ માસ એટલે કે ૮૧૦ દિવસ થાય છે. રોજનો ૧૪૦ ટન લેખે ૮૧૦ દિવસનો કુલ ૧,૧૩,૪૦૦ મેટ્રિક ટન કચરો થાય. આને બદલે મનપા દ્વારા કુલ ર,૩પ,૦૩૬ મેટ્રિક ટન કચરાના નિકાલ માટેનાં બે ટેન્ડર બહાર પાડી દેવાયાં છે. નોંધનીય છે કે વચ્છરાજ એજન્સીને અગાઉ ૧,૦૬,૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવા માટે પ્રતિ મેટ્રિક ટનના ૪૦૪ લેખે ૪,ર૮,ર૪,૦૦૦નું કામ આપી દીધુ હતું. એ રકમ ચૂકવાઈ પણ ગઈ. ત્યારબાદ આ જ એજન્સીને હવે વધારાના ૧,ર૯,૦૩૬ મેટ્રિક ટનનું ૪૦૪ લેખે પ,ર૧,૩૦,પ૪૪નો કામ કરવા વગર ટેન્ડરે વર્ક ઓર્ડર આપી દીધો છે. આ બંને વર્ક ઓર્ડર મુજબ તો દરરોજનો ડોર ટુ ડોર એકત્ર થતો કચરો ર૯૦ ટન હોવો જોઈએ, જ્યારે કે મનપા જ સ્વીકારે છે કે રોજ મહત્તમ ૧૪૦ ટન જ એકત્ર થાય છે!
સૌપ્રથમ વાર ૧.૦૬ લાખ ટન કચરાનો નિકાલ કરવા વચ્છરાજ એજન્સી તા.૧૪-૧૦-ર૦ર૪ના એલ-૧ થઈ, * તા.રર-૧૦-ર૦ર૪ના વર્ક ઓર્ડર આપ્યો, તેમાં ત્રણ મહિનામાં કચરા નિકાલની શરત હતી અને એજન્સીએ એ કચરો ઉપાડી લીધાનું સ્વીકારીને રકમ ચૂકવાઈ પણ ગઈ. * સોલિડ વેસ્ટ સાઈટ સુપરવાઇઝરે તા.૧૭-૪-ર૦રપએ કહ્યું કે જાન્યુઆરી- ૨૦૨૩થી માર્ચ- ૨૦૨૫ સુધીમાં ૧.ર૯ લાખ ટન કચરો એકઠો થયો છે! એનો તાત્કાલિક નિકાલ કરવા પણ સૂચવાયું. * તા.ર૬-૬-ર૦ર૪ના આ એજન્સીને વધારાનું કામ આપવા ઠરાવ થયો, * તા.૧૯-૪-ર૦રપએ એજન્સીએ જૂના ભાવે કામ કરવા લેખિત સહમતી આપી, * તા.ર૬-૬ના ઠરાવની તા.૧૦-૭-રપના કમિશનરે વહિવટી મંજૂરી આપી, * તા.૧-૧૦ના એજન્સીને વગર ટેન્ડરે પાંચ કરોડથી વધુના કામનો વર્ક ઓર્ડર આપ્યો, – તા.૧૩-૧૦ના અગાઉ આપેલી વહીવટી મંજૂરી અને ઠરાવને રદ કરતો ઠરાવ કર્યો, * નવા ઓનલાઈન ભાવ મંગાવ્યા અને તેને પણ રદ કરી તે જ એજન્સીને કામ આપી દેવાયું છે.મનપાના વિપક્ષી નેતા લલિત પણસારાને આ સમગ્ર મામલે શંકા જતા તેણે એક બાદ એક તમામ આધારપુરાવાઓ એકઠા કરી ભાજપના શાસકો સામે સવાલો ઉભા કરી દીધા છે. આ અંગે વિજિલન્સ કમિશનર સહિતનાઓને રજૂઆત કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. દરમિયાન, આ મામલે કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે, ‘સમગ્ર જૂનાગઢમાંથી દરરોજનો ૧ર૦ ટન કચરો એકઠો થાય છે બાકીની જે વાત છે તે હું વિષયવાર સમજીને બાદમાં જણાવીશ, હાલ હું બહારગામ છું.’

