Rajkot,તા.05
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા બાલ સંસ્કાર શિબિર, સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બે દિવસના આ બાલ સંસ્કાર શિબિરમાં ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી, ધર્મકિશોરદાસ સ્વામી, મુનીશ્વર સ્વામી વગેરે સંતો દીપ પ્રાગટ્ય માટે પધારીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
તમામ ગ્રુપના બાળકોના સંતો સાથે ગ્રુપ ફોટા બાદ સંતોએ બાળકો પર ચોકલેટની વર્ષા કરી હતી.
શિબિર ની શરૂઆતમાં શ્રી જ્ઞાનજીવન સ્વામીએ શિબિરનો ઓવરવ્યૂ આપી અને ઘનશ્યામ ચરિત્રોથી બાળકોને ખુશ કર્યા હતા.
પૂ. જનમંગલ સ્વામીએ સંગ એવો રંગ દ્વારા બાળકને કોની સંગત કરવી અને કોની ન કરવી, તેમજ વ્યસન અને ફેશનથી દૂર રહેવાની મહત્વની ભલામણ કરી હતી.
શ્રી જીવનમુક્તદાસ સ્વામી એ વેકેશનનો સદુપયોગ વિષય ઉપર બાળકોને વેકેશનના સમયમાં કંઈક નવું જાણવા, વાંચવા અને શીખવા ઉપર ભાર મૂક્યો હતો.
ડ્રોઈંગ વિભાગમાં બાળકો સરસ મજાનું કુદરતી ચિત્ર બનાવતા શીખ્યા હતા. રંગપૂરણી હરીફાઈ માં ૨૨૫ જેટલા બાળકો એ હોશભેર લીધો હતો.
ક્રાફ્ટ સેક્શનમાં આઈસ્ક્રીમ સ્ટીક દ્વારા સરસ મજાની ઘનશ્યામ મહારાજની ફોટો ફ્રેમ બાળકોએ બનાવી હતી.
કિશોરભાઈ મુંગરાએ પોતાના પ્રવચનમાં આદર્શ બાળક કેમ બની શકાય અને હકારાત્મક વિચાર દ્વારા જીવનમાં અને અભ્યાસમાં કેમ આગળ વધી શકાય તે સમજાવ્યું હતું. આ ઉપરાંત ઈન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે બાળકોએ જ્ઞાનબાગ જુનાગઢ સ્વામિનારાયણ ગુરુકુલ ની હરિયાળી લોનમાં ક્રિકેટનો આનંદ અને સ્વિમિંગ પૂલમાં નાહવાની મજા માણી હતી. સૌરાષ્ટ્રના જાણીતા સક્કરબાગ પ્રાણી ઉદ્યાનની બાળમિત્રોએ મુલાકાત લીધી હતી.
જુનાગઢ ગુરુકુલના શ્રી પ્રીતમ સ્વામીએ સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે શ્રી હરિનારાયણ સ્વામીએ પોતાની રમૂજી શૈલીમાં બાળકોને ખડખડાટ હસાવીને જીવનમાં વ્યસનથી અને કુસંગથી દૂર રહીને બાલ સભામાં સંસ્કાર મેળવવા માટે ધન્યવાદ આપ્યા હતા.
ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી અને જ્ઞાનજીવનદાસ સ્વામીના હસ્તે વિજેતા બાળકોને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર બાલ સંસ્કાર શિબિરનું આયોજન ડો.નિમિષ મુંગરા ના માર્ગદર્શન નીચે સ્વયંસેવકોએ સંભાળ્યું હતું.