અમેરિકામાં ભારતીય મૂળના સ્વર્ણજીત સિંહ ખાલસાએ રિપબ્લિક ઉમેદવાર પીટર નેસ્ટ્રોમને હરાવ્યા હતા
Washington,, તા.૭
ભારતીય મૂળ જોરહાન મમદાની અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર બનતાં જ વિશ્વભરમાં ચર્ચામાં આવ્યા છે. તેઓ તેમના પક્ષ ડેમોક્રેટમાં ચૂંટાઈ આવ્યા બાદથી ચર્ચામાં હતા. અમેરિકામાં ભારતીય મૂળના અન્ય એક શીખ નેતા સ્વર્ણજીત સિંહ ખાલસાએ પણ મોટી સફળતા હાંસલ કરી છે. તેઓ યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાયા છે. ખાલસાએ રિપબ્લિક ઉમેદવાર પીટર નેસ્ટ્રોમને હરાવ્યા હતા.
નોર્વિચ શહેર માત્ર ૧૦ પરિવારનું શહેર છે. તેમ છતાં ખાલસાની આ જીત મહત્ત્વની ગણાય છે. ૪૦ વર્ષીય અમૃતધારી શીખ સ્વર્ણજીત સિંહ ખાલસા મૂળ રૂપે પંજાબના જલંધરના રહેવાસી છે. તેમનો પરિવાર દિલ્હી, પંજાબથી માંડી હવે અમેરિકાની રાજનીતિમાં સક્રિય બન્યો છે. તેમણે અમેરિકામાં રાજકીય જીવનની શરૂઆત ૯/૧૧ આતંકી હુમલા બાદ કરી હતી. આ આતંકી હુમલા બાદ તેમણે વંશીય ટિપ્પણીઓ અને હેટ ક્રાઈમનો સામનો કર્યો હતો. ત્યારબાદ તેમણે વંશીય ભેદભાવ વિરૂદ્ધ લાંબી ઝુંબેશ ચલાવી હતી. અને તેઓ શીખ સમુદાયમાં લોકપ્રિય નેતા બન્યા. તેઓએ બાદમાં સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવ્યા અને ધીમે-ધીમે અમેરિકાના નોર્વિચ શહેરમાં લોકપ્રિય ચહેરો બન્યા.
સ્વર્ણજીતના લોક કાર્યોના સતત પ્રયાસોના કારણે નોર્વિચ સહિત અમેરિકામાં સહિષ્ણુતા અને સામુદાયિક ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. તેમના આ પ્રયાસોના કારણે અમેરિકાની એજન્સી એફબીઆઈએ તેમને ૨૦૧૭માં કોમ્યુનિટી લીડરશીપ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ કુલ ૫૬ લોકોને મળ્યો હતો. જેમાં તેઓ એકમાત્ર ભારતીય હતાં. તેમનો મુખ્ય પ્રયાસ અમેરિકન્સની અંદર શીખ વિશે અલગ સાચી ઓળખ સ્થાપિત કરવાનો છે. તેઓની ગેરસમજ દૂર કરવાનો છે. મોટાભાગના અમેરિકન્સ માનતા હતા કે, દાઢી અને પાઘડીના કારણે તેઓ આતંકવાદી છે. તેમના વિશે આ પૂર્વગ્રહ દૂર કરી જાગૃત્તિ ફેલાવવાનો છે.
સ્વર્ણજીતસિંહ ખાલસાના પિતા પરમિન્દર પાલ શીખ ઈન્ટરનેશનલ સોસાયટીમાં છે. તેમણે પોતાના પુત્રની આ સફળતાનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મારા પુત્રે જલંઘરની ડીએવી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. અમેરિકામાં સ્વર્ણજીત સિંહે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી હતી. લુધિયાણામાં જ રહેતી શીખ યુવતી સાથે લગ્ન કર્યા હતા. હાલ તેઓ નોર્વિચમાં કંસ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. ઉલ્લેખનીય છે કે, નોર્વિચ શહેરમાં લોકોની માથાદીઠ આવક અમેરિકાના અન્ય શહેરોની તુલનાએ વધુ છે.

