Stockholm,તા.26
યોગ, આયુર્વેદ, ધ્યાન અને પ્રાણાયામ સદીઓથી ભારતમાં કુદરતી ઉપચારનો ભાગ રહ્યાં છે. હિમાલયની તાજી હવા, કેરળની બેકવોટર અને રાજસ્થાનની રણ સફારીઓ માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય લાભો આપે છે. હવે, સ્વીડને આ વિચારને ઔપચારિક સ્વરૂપ આપ્યું છે અને વિશ્વમાં પ્રથમ વખત, પ્રકૃતિ આધારિત પર્યટનને ‘મેડિકલ પ્રિસ્ક્રિપ્શન’નો ભાગ બનાવવાની પહેલ કરી છે.
સ્વીડનની સત્તાવાર પર્યટન એજન્સી વિઝિટ સ્વીડને ‘ધ સ્વીડિશ પ્રિસ્ક્રિપ્શન’ અભિયાન શરૂ કર્યું છે. આમાં, ડોકટરો દર્દીઓને કેટલાક કિસ્સાઓમાં દવાને બદલે પ્રકૃતિની નજીક જવાની સલાહ આપી શકે છે.
જેમ કે ઊંઘ સુધારવા માટે લેપલેન્ડમાં સોના સ્નાન, બ્લડ સર્ક્યુલેશનને સુધારવા માટે દ્વીપસમૂહમાં બરફીલા પાણીમાં ડૂબકી, તણાવ ઘટાડવા માટે જંગલમાં લાંબું ચાલવું, અને સામાજિક જોડાણ માટે ફિકા (કોફી અને કેક સાથે સામાજિકીકરણ) જેવી પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપવામાં આવશે.
ડોકટરો દ્વારા પ્રિસ્ક્રિપ્શન કરવાથી વિશ્વાસ વધશે :
યુગોવ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે મોટાભાગનાં લોકો ‘નેચર પ્રિસ્ક્રિપ્શન’ અથવા ‘કલ્ચર પ્રિસ્ક્રિપ્શન’ વિશે જાણતાં નથી, પરંતુ લગભગ બે તૃતીયાંશ લોકો માને છે કે જો કોઈ ડોક્ટર લેખિતમાં આપે તો તેઓ તેને અપનાવવા માટે તૈયાર છે. આ પહેલ આરોગ્ય લાભોને વૈજ્ઞાનિક માન્યતા આપે છે. ડબ્લ્યુએચઓ પણ કુદરતી પર્યાવરણને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માને છે.
ભારતમાં પહેલની અનંત શક્યતાઓ :
ભારત પહેલેથી જ ‘યોગ કેપિટલ’ અને ‘વેલનેસ ડેસ્ટિનેશન’ તરીકે વૈશ્વિક માન્યતા ધરાવે છે. જો ‘ગ્રીન પ્રિસ્ક્રિપ્શન’ જેવી પહેલ લાગું કરવામાં આવે છે, તો ડોકટરો તણાવ અને હતાશા ઘટાડવા માટે દર્દીઓને વન વિહાર, ધ્યાન શિબિર અથવા સ્પા યોગા રીટ્રીટ્સ સૂચવી શકે છે.
જે રીતે સ્વીડને મોડલ રજૂ કર્યું છે, તે જ રીતે ભારત વારાણસી, ઋષિકેશ, બોધગયા જેવાં ‘સ્પિરિચ્યુઅલ ટુરિઝમ’ ડેસ્ટિનેશન અને કેરળ, ગોવા, હિમાલયન રિટ્રીટ્સ જેવા ‘વેલનેસ ટુરિઝમ’ ડેસ્ટિનેશનને હેલ્થકેર સાથે જોડી શકે છે.