Ahmedabad,તા.10
ગીર-સોમનાથ જિલ્લામાં એશિયાટિક સિંહોને જોવા પર્યટકોનો ધસારો વધતા હોટેલ, રિસોર્ટ્સ અને કર્મિશિયલ સ્ટ્રક્ચર વધી ગયા છે અને અહીંની ઈકોસિસ્ટમ પર આની અસર પડી રહી છે.
ત્યારે ગુજરાત હાઈકોર્ટે એક જનહીતની અરજીની સુનાવણી સમયે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લાના કલેક્ટરોને ગીરની આસપાસના તમામ કમર્શિયલ યુનીટ્સની તપાસ કરી વિગતવાર અહેવાલ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ગીર જંગલમાં અને આસપાસના ત્રણ જિલ્લામાં અંદાજે 300 કરતા વધારે રિસોર્ટ, હોટેલ કે ફાર્મ હાઉસ આવેલા છે. ઠેરઠેર બાંધકામ, પ્રવાસીઓનો આખા વર્ષ દરમિયાનનો ધસારાને લીધે અહીનું વન્ય જીવન જોખમાઈ રહ્યું હોવાની જનહીતની અરજી દાખલ થયા બાદ તંત્ર સાબદુ બન્યું છે.
કોર્ટે કલેક્ટરોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, કર્મશિયલ પ્રવૃત્તિઓ કરતા તમામ યુનીટ્સની સવિસ્તર માહિતી સાથેનો અહેવાલ કોર્ટને સુપરત કરવામાં આવે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે આ મામલે નિર્દેશો આપી તપાસ માટે ટીમ તૈયાર કરી કામગીરી શરૂ કરી દીધી હોવાનુ અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું.

