Syria,તા.02
સીરિયામાં 14 વર્ષના ગૃહયુદ્ધ બાદ પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. અમેરિકાએ સીરિયા પરથી તમામ પ્રતિબંધો દૂર કર્યા છે અને હવે આ ઇસ્લામિક દેશ ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યો છે. આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને સુરક્ષામાં પણ સુધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના નવા રાષ્ટ્ર પ્રમુખ અહમદ અલ શારા સાથે મુલાકાત કરી આ અંગે જાહેરાત કરી હતી. ઇઝરાયલ અને સીરિયા વચ્ચે પણ સીધી વાતચીત થઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવા ટૂંકસમયમાં મોટી જાહેરાત કરે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
મધ્ય-પૂર્વના રાજકીય નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ સીરિયા પરથી તમામ પ્રતિબંધો દૂર કરવા મામલે એવો સોદો કર્યો હશે કે તેણે ઇઝરાયલ સાથે સંબંધો સુધારવા પડશે. જેના ભાગરૂપે સીરિયા એ દિશામાં આગળ વધી રહ્યું છે. જો આવું કંઈક થાય તો તે વૈશ્વિક રાજકારણમાં મોટો ફેરફાર હશે કારણ કે સીરિયા અને ઇઝરાયલ 1948થી યુદ્ધ કરી રહ્યા છે. આ કરાર સાથે 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે. બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સીધી વાતચીત થઈ છે. બંને દેશ 2020થી અબ્રાહમ અકોર્ડમાં સામેલ છે.
સીરિયાના ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા એ અબ્રાહમ અકોર્ડનું વિસ્તરણ હશે. અબ્રાહમ અકોર્ડ એ ઈઝરાયલ અને વિવિધ અરબ દેશો વચ્ચે રાજકીય સંબંધો સ્થાપિત કરતો કરાર છે. જેની શરૂઆત યુએઈ અને બેહરિન સાથે થઈ હતી. વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન અબ્રાહમ અકોર્ડ કરાવ્યો હતો. ત્યારબાદ યુએઈ, બહેરીન, મોરોક્કો અને સુદાન તેમાં જોડાયા હતા. પહેલી વાર, ઇસ્લામિક દેશોએ ઇઝરાયલને માન્યતા આપી હતી અને તેની સાથે સંબંધો સામાન્ય કર્યા હતા. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે તેનો વિસ્તાર કરવામાં આવે જેથી મધ્ય પૂર્વમાં શાંતિ લાવી શકાય. ટ્રમ્પે મે મહિનામાં જ મધ્ય પૂર્વના ત્રણ દેશોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેઓ સાઉદી અરેબિયામાં સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાને પણ મળ્યા હતા.
આ ચર્ચાઓ અંગે, સીરિયન લેખક રોબિન યાસિન કસાબે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય કરવા મુશ્કેલ છે. સીરિયા માટે ઇઝરાયલની નજીક આવવું મુશ્કેલ છે કારણ કે 1967ના યુદ્ધના કારણે બંનેના સંબંધો વણસ્યા હતા. ઇઝરાયલે સીરિયાના ગોલાન હાઇટ્સ પર કબજો કરી લીધો છે. જો તેના પર પણ કોઈ નિર્ણય લેવામાં આવે તો સંબંધોમાં સુધારો શક્ય છે. બીજી તરફ, ઇઝરાયલી સંરક્ષણ મંત્રી ગિડીઓન સારે જણાવ્યું હતું કે, અમે સીરિયા સાથે સમાધાન કરીશું, પરંતુ ગોલાન હાઇટ્સના મુદ્દા પર પીછેહટ કરીશું નહીં. જોકે, સીરિયામાં એવા લોકોની સંખ્યા વધી છે જેઓ માને છે કે આ કરાર યોગ્ય છે. આનું કારણ એ છે કે જે લોકો લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેઓ હવે પરિસ્થિતિને સામાન્ય થતી જોવા માગે છે.