New Delhi, તા.29
ભારતીય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોની ફી ભારતીય સેનાને દાન કરશે. પાકિસ્તાન સામે એશિયા કપ ફાઇનલ જીત્યા બાદ સૂર્યકુમારે આ જાહેરાત કરી હતી. રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું.
ફાઇનલમાં, તિલક વર્માએ શાનદાર અડધી સદી ફટકારી અને સંજુ સેમસન અને શિવમ દુબે સાથે ઉપયોગી ભાગીદારી કરી, જેના કારણે પાકિસ્તાન ફાઇનલ હારી ગયું. આ વિજય સાથે, ભારતે તેનું બીજું T20I એશિયા કપ ટાઇટલ જીત્યું અને ODI વર્ઝન સહિત એકંદરે તેનું નવમું ટાઇટલ જીત્યું.
પાકિસ્તાનને હરાવ્યા બાદ, કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સ દરમિયાન, તેમણે કહ્યું, “હું આ ટુર્નામેન્ટમાં રમેલી બધી મેચોની મારી મેચ ફી ભારતીય સેનાને દાનમાં આપવા માંગુ છું.” જોકે, મેચ પછી એવોર્ડ સમારોહમાં ભારતને તેમના મેડલ અને ટ્રોફી પ્રાપ્ત થઈ ન હતી, જેના કારણે દર્શકો અને ખેલાડીઓ બંને નિરાશ થયા હતા.
તેમણે કહ્યું, “એક ટીમ તરીકે, અમે (મોહસીન નકવીના હસ્તે) ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો. કોઈએ અમને ન જણાવ્યું પરંતુ મારું માનવું છે કે ટુર્નામેન્ટ જીતનારી ટીમ ટ્રોફીની હકદાર છે.”
સૂર્યકુમારે કહ્યું કે, “હું આટલા વર્ષોથી ક્રિકેટ રમું છું પણ મેં ક્યારેય આવી સ્થિતિ નથી જોઈ જ્યારે કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફી ન અપાઇ હોય અને હાં આ ટ્રોફી માટે અમે ખૂબ જ મહેનત કરી હતી. સરળતાથી મેળવેલી જીત નહોતી. અમે સતત બે દિવસ મેચ રમ્યા. મને લાગ્યું કે અમે ખરેખર તેના લાયક હતા. હું તેનાથી વધુ કઈ કહેવા માંગતો નથી. “