New Delhi, તા.10
સાયબર ગઠિયાઓ હાલના ડિજિટલ યુગમાં બેફામ બન્યાં છે. ત્યારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર નવી નવી ડિસ્કાઉન્ટ સાથેની જાહેરાતો મૂકી લોકોને લલચાવી રૂપીયા પડાવી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં દિવાળીનો મોટો પર્વ આવી રહ્યો છે.
ત્યારે લોકો ઘર માટે તેમજ પરિવાર માટે ખરીદીમાં ઓનલાઈન ખરીદીને મહત્વ આપતાં હોય છે. જે બાબતે સાયબર ક્રાઇમની ટીમે લોકોને સાયબર માફિયાઓથી બચવા ઓનલાઈન ખરીદી માટે વિશ્વસનીય પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.આગામી દિવાળી પર્વને ઉજવવા લોકો પૂર્વ તૈયારીઓ કરતાં હોય છે. જેમાં દિવડાઓ, જવેલરી, કપડા, એન્ટીક વસ્તુઓ, ખાસ બાળકો માટેના કપડા સહિતની વસ્તુઓ લોકો ઓનલાઈન ખરીદીની આગ્રહ રાખતાં હોય છે.
ત્યારે સાયબર માફિયાઓ પણ પૂર્વ તૈયારીઓ કરી બેઠાં છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાં કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાતો આપી લોકોને લલચાવે છે.સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આવેલ જાહેરાત જોઈ લોકો જેવા તે જાહેરાતની લિંક પર ક્લિક કરે એટલે સાયબર માફિયાઓ તમારી તમામ વિગતો મેળવી તમારા બેંક એકાઉન્ટ પણ ખાલી કરી નાંખે છે. તેમજ ઘણી વેબસાઈટ પણ ડમી હોય છે.તેમાં લોકોએ આપેલ ઓર્ડરના ઓનલાઈન પેમેન્ટ જ સ્વીકારવામાં આવે છે, જે બાદ ઓર્ડર પણ નથી આવતો અને રૂપિયા પણ પરત નથી મળતા અને ફોન નંબર બંધ કરી ઠગાઈ આચરતાં હોય છે.
આરોપીઓ બેંક વિગત, ક્યુઆર કોડ અને યુપીઆઈથી રૂપીયા ટ્રાન્સફર કરાવી તમામ વિગતો મેળવી બાદમાં ફ્રોડ આચરે છે.જેથી ઓનલાઈન ખરીદી કરતાં પહેલાં જે વિશ્વસનીય વેબસાઈટ કે પેજ હોય તે ચેક કર્યા બાદ જ ઓનલાઈન ખરીદી કરવી જોઈએ જેથી સાયબર ફ્રોડથી બચી શકાય છે.ઓનલાઈન ખરીદી કરતાં પહેલાં લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જે બાબતે સાયબર ક્રાઇમ પીઆઇ જે.એમ.કૈલાએ જણાવ્યું હતું કે, સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ફ્રોડ માટે કરે છે, જેથી ઓછા ફોલોઅર્સ ધરાવતા પેજ પરથી કે ડમી પ્રોફાઈલ બનાવીને વસ્તુઓ વેંચતાની જાહેરાત મુકતા હોય છે.
જેમાંથી ક્યારેય ખરીદી ન કરવી અને ગઠિયાઓ ખોટા ફોલોઅર્સ બનાવીને પણ છેતરપીંડી આચરતાં હોય છે જેથી ખરીદી કરતાં પહેલાં વિશ્વનિયતા ચેક કરવી જરૂરી છે.ઓનલાઈન શોપીંગની સાથે સાથે તહેવારો અનુરૂપ શુભેચ્છાના કાર્ડ બનાવવા માટેની એપ દ્વારા પણ ઠગાઈ આચરાઈ છે. ત્યારે દિવાળીના પર્વ પર તમારા ફોટા સાથેનું ગ્રેટિંગ કાર્ડ બનાવવા માટે લોકોને લિંક અથવા એપીકે ફાઇલ મોકલી તે ડાઉનલોડ કરાવે છે, જે બાદ લોકોની તમામ વિગતો મેળવી ફ્રોડ આચરે છે. જેથી ઓનલાઈન ફોટા સાથેના શુભેચ્છા કાર્ડ બનાવતાં પહેલા પણ ચેતવું જોઈએ.ઓનલાઈન ખરીદી કર્યા બાદ જો તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો ઘણી ડમી એપ દ્વારા સાયબર ફ્રોડ થવાના ચાંસ વધું છે અને રૂપિયા પણ ગુમાવવા પડી શકે છે. જેથી બને ત્યાં સુધી ઓનલાઈન ખરીદીમાં ‘કેશ ઓન ડિલિવરી’નો આગ્રહ રાખવો જોઈએ.