Islamabad,તા.09
પાકિસ્તાની સૈન્યને એક તરફ ઉગ્રવાદીઓ બળવાખોરો ઘેરી રહ્યા છે તો અફઘાનિસ્તાન સરહદ તરફ તાલિબાન સંગઠન હુમલા કરી રહ્યું છે. આવા જ એક હુમલામાં પાકિસ્તાની સૈન્યના ૧૧ સૈનિકો માર્યા ગયા હતા જેમાં અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે પાક. સૈન્યના મીડિયા વિભાગે દાવો કર્યો હતો કે આ ઓપરેશનમાં ૧૯ આતંકીઓ પણ માર્યા ગયા છે. જોકે આતંકીઓ માર્યા ગયા હોવા અંગે તાલિબાન સંગઠને કોઇ માહિતી જાહેર નથી કરી.
પાકિસ્તાની સૈન્ય દ્વારા ખૈબર પ્રાંતમાં તાલિબાન સંગઠનના લડાકાઓ સામે અભિયાન ચલાવાઇ રહ્યું છે. જોકે આ અભિયાન પાક. સૈન્યને જ ભારે પડી રહ્યું છે. તાલિબાની લડાકાઓએ પાક. સૈન્ય સામે મોટો વળતો પ્રહાર કર્યો હતો. જેમાં લે. કર્નલ જુનૈદ તારિક, મેજર તૈયબ રાહત બન્ને ઠાર મરાયા હતા જ્યારે અન્ય નવ જેટલા સૈનિકો પણ માર્યા ગયા હતા. કર્નલ જુનૈદ તાલિબાની લડાકાઓ પર હુમલો કરવા માટે જઇ રહેલી ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા જોકે તાલિબાનીઓએ તેમનું જ ઢીમ ઢાળી દીધુ હતું. આ ઘટનાને લઇને પાકિસ્તાન સૈન્ય અને સરકારની લોકો ભારે ટીકા કરી રહ્યા છે. એવામાં પાક.ના વડાપ્રધાન શેહબાઝ શરીફે સૈનિકોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદને કચડી નાખશે, દેશને જોખમ પહોંચાડનારાઓને નહીં ચલાવી લઇએ. પાક.ના પ્રમુખ આસીફ અલી ઝરદારીએ પણ સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બલુચિસ્તાનમાં બલોચ આર્મી અને બળવાખોરો જ્યારે ખૈબર પ્રાંતમાં તાલિબાની સંગઠનના લડાકાઓ પાક. સૈન્ય પર હુમલા કરી રહ્યા છે. પાક. સૈન્ય, પોલીસ અને સરકારના અત્યાચારો વધી રહ્યા છે તેમ તેમ હિંસક વિરોધ પણ થવા લાગ્યો છે. આ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં પાકિસ્તાનમાં હિંસા, હુમલાઓમાં ૯૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે હિંસાની ૩૨૯ ઘટનાઓ સામે આવી હતી. જેમાં ૬૦૦ લોકો ઘાયલ થયા હતા.