અમે સારા ઇરાદા સાથે વાતચીતોમાં પ્રવેશ કર્યો, પરંતુ પાકિસ્તાને વાતચીતોને ગંભીરતાથી લીધી નહીં : તાલિબાન
Turkey તા.૮
તુર્કીના ઇસ્તાંબુલમાં પાકિસ્તાન અને અફઘાન વચ્ચેની તાજેતરની શાંતિ મંત્રણા ફરી એકવાર કોઈ પણ નિર્ણય વગર જ સમાપ્ત થઈ છે. આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓ “સીમાપાર આતંકવાદ” અને “સુરક્ષા” જેવા મુદ્દાઓ પર એકબીજા પર દોષારોપણ કરતા જોવા મળ્યા હતા. અફઘાન તાલિબાને ઇસ્લામાબાદ પર “બેજવાબદાર અને અસહકારાત્મક વર્તન” નો આરોપ લગાવ્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમે સારા ઇરાદા અને સંપૂર્ણ અધિકાર સાથે વાતચીતોમાં પ્રવેશ કર્યો, પરંતુ પાકિસ્તાને વાતચીતોને ગંભીરતાથી લીધી નહીં અને તેની જવાબદારી ટાળતું રહ્યું હતું.”
મુજાહિદે દાવો કર્યો કે, પાકિસ્તાને કોઈપણ ભૂમિકા સ્વીકારી ન હોવા છતાં, સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અફઘાનિસ્તાન પર નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વલણ બે દિવસીય વાતચીત નિષ્ફળ જવાનું કારણ હતું. તાલિબાને એ પણ પુનરોચ્ચાર કર્યો કે, “અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં,” અને ચેતવણી આપી કે, “કાબુલ કોઈપણ કિંમતે તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.” તેમણે કહ્યું કે, પાકિસ્તાની મુસ્લિમો અફઘાન લોકોના ભાઈઓ છે, અને અમીરાત તેમની સાથે ભાઈચારો અને મર્યાદિત સહયોગની ભાવના ધરાવે છે. અફઘાન ધરતી અને લોકોનું રક્ષણ કરવું એ એક ઇસ્લામિક અને રાષ્ટ્રીય ફરજ છે, અને કોઈપણ આક્રમણનો સખત જવાબ આપવામાં આવશે.
બીજી બાજુ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, વાતચીતો સંપૂર્ણપણે “ગતિરોધ” પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, “કાબુલ મૌખિક ખાતરીઓથી આગળ વધવા માંગતું નથી, જ્યારે અમે ફક્ત લેખિત કરાર સ્વીકારીશું.” આસિફે કહ્યું કે, તુર્કી અને કતારે આ વખતે પણ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે કહ્યું કે, “જો તેમને આશા હોત, તો તેઓ અમને રોકવા માટે કહેત, પરંતુ અમારા ખાલી હાથે પાછા ફરવાથી દર્શાવે છે કે, તેઓએ પણ હાર માની લીધી છે.”
આ બેઠક ૬ અને ૭ નવેમ્બરના રોજ ઇસ્તાંબુલમાં યોજાઈ હતી. આ અગાઉ ૨૫ ઓક્ટોબરના રોજ ઇસ્તાંબુલ અને ૨૯ ઓક્ટોબરના રોજ દોહામાં વાતચીતોના બે રાઉન્ડ યોજાયા હતા. બંને રાઉન્ડ અનિર્ણિત રીતે સમાપ્ત થયા હતા. નિષ્ણાતોના મતે, આ ત્રીજો નિષ્ફળ રાઉન્ડ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (્્ઁ) જેવા સંગઠનો સામે કાર્યવાહી અંગે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઊંડો અવિશ્વાસ દર્શાવે છે.

