Tamil Nadu,
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની તબિયત અચાનક બગડી ગઈ. સોમવારે (21 જુલાઈ) સવારે મોર્નિંગ વોક દરમિયાન તેમને ચક્કર આવવા લાગ્યા, ત્યારબાદ તેમને તાત્કાલિક ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના ડિરેક્ટર જણાવ્યું હતું કે, ‘તેમના તમામ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.’હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ચક્કર આવવાનું કારણ જાણવા માટે તેમના પરીક્ષણો ચાલી રહ્યા છે. આ અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, અને લોકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે.ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ અંગે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના પૂર્વ મંત્રી અને સાંસદ અનવર રાજા સોમવારે સીએમ એમ.કે. સ્ટાલિનની હાજરીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)માં જોડાયા હતા. આ દરમિયાન AIADMKએ DMK મુખ્યાલય પહોંચ્યા પછી જ અનવર રાજાને હાંકી કાઢ્યા હતા.