Mumbai,તા.31
ભારત અને અમેરિકા વચ્ચે ગુંચવાયેલા ટ્રેડડીલના કોકડામાં કોઈ પરિણામ ન આવતા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ તથા પેનલ્ટીનું એલાન કરી દેતા શેરબજાર તથા કરન્સી માર્કેટમાં ગાબડા પડયા હતા. સેન્સેકસ 600 પોઈન્ટ તૂટયો હતો. ડોલર સામે રૂપિયો વધુ 20 પૈસા નબળો પડયો હતો.
અમેરિકાએ ભારતીય નિકાસ પર આવતીકાલથી જ 25 ટકાની ટેરિફ ઉપરાંત પેનલ્ટી લાગુ કરવાનુ એલાન કર્યુ છે. અમેરિકાના આ કદમની અસરે જવેલરીથી માંડીને ઈજનેરી સહિતના ક્ષેત્રોની ભારતીય નિકાસને મોટો ફટકો પડવાની આશંકાથી માનસ નબળુ પડી ગયુ છે.
શેરબજારની શરૂઆત જ ગેપડાઉન હતી અને વેચવાલીના આક્રમક દબાણ હેઠળ સતત નીચે સરકતુ રહ્યુ હતું. વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલીનો પણ ખચકાટ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટેરિફ બોંબથી કયા ક્ષેત્રો અને કેટલી નિકાસ પ્રભાવિત થઈ શકે છે તે વિશે ચિત્ર સ્પષ્ટ થયા બાદ ટ્રેન્ડ નકકી થશે.
શેરબજારમાં આજે 1918 શેરો ટ્રેડઝોનમાં હતા અને 613 મજબૂત હતા તેના આધારે મંદીના માહોલનો અંદાજ આવી જતો હતો. હિન્દ કોપર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, મહીન્દ્ર, રીલાયન્સ, વોડાફોન, યસ બેંક વગેરેમાં ઘટાડો હતો.
હિન્દ લીવર, જીયો ફાઈનાન્સ, ડિલ્હીવરી વગેરે મજબૂત હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 615 પોઈન્ટના ઘટાડાથી 80866 હતો તે ઉંચામાં 81050 તથા નીચામાં 80695 હતો.
નિફટી 185 પોઈન્ટ ગગડીને 24669 હતો તે ઉંચામાં 24728 તથા નીચામાં 24635 હતો. બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો 20 પૈસા ઘટીને 87.64 હતો.