અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધારાની ટેરિફ નીતિએ ભારતીય અર્થતંત્ર સામે નવો પડકાર ઉભો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ “ટેરિફ વોર” માત્ર નિકાસ ક્ષેત્ર માટે નહીં, પરંતુ બેંકો અને MSME સેક્ટર માટે પણ જોખમરૂપ બની શકે છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ અનુસાર ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સીધા પ્રભાવથી નાના અને મધ્યમ ઉદ્યોગોની લોન ચૂકવણી ક્ષમતા પર દબાણ આવી શકે છે. ટેરિફ વધતા તેમની કમાણી અને નિકાસ બંને ઘટશે, જેના કારણે બેંકોની બાકી લોન (NPA) વધવાની આશંકા છે.
અહેવાલ મુજબ, MSME ક્ષેત્રમાં NPA નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં ૩.૯% સુધી પહોંચી શકે છે, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં તે ૩.૫૯% હતી. ક્રિસિલનું કહેવું છે કે આ વધારો મુખ્યત્વે અમેરિકા દ્વારા ભારતની નિકાસ પર લાદવામાં આવેલા ૫૦% સુધીના ટેરિફના પરિણામરૂપ થશે. વિશ્લેષણ મુજબ, કાપડ, વસ્ત્રો, કાર્પેટ, રત્નો-ઘરેણાં અને પ્રોસેસ્ડ સીફૂડ જેવા ઉદ્યોગો સૌથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે, કારણ કે તેમની નિકાસમાં અમેરિકાનો મોટો હિસ્સો છે. આ ક્ષેત્રોમાં લોનની વસૂલાત મુશ્કેલ બનવાની ભીતિ છે.
ટ્રમ્પ પ્રશાસન સ્થાનિક અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત કરવા માટે ભારત સહિત અનેક દેશો પર વધારાના ટેક્સ લાદી રહ્યું છે. ખાસ કરીને, રશિયાથી તેલની આયાત ચાલુ રાખવા બદલ ભારત પર ૨૫% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે, જેનાથી કુલ ટેરિફ ૫૦% સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, આ પગલાંથી ભારતની અંદાજે ૬૦ અબજ ડોલર જેટલી નિકાસ પર સીધી અસર થઈ શકે છે. પરિણામે બેંકિંગ ક્ષેત્ર અને MSME ઉદ્યોગો બંને માટે આવનારા મહિના મુશ્કેલ બની શકે છે.