New Delhi,તા.29
દેશમાં કરવેરાની જાળમાં ફસાનારા માટે પછી બહાર નિકળવામાં ટ્રીબ્યુનલ-અદાલતોના ચકકર કાપવા પડે છે અને સરકારના પણ કરવેરા વસુલાતમાં મોટી રકમ ફસાય જાય છે. દેશભરની ટોચની અદાલતોમાં આ પ્રકારે કરવેરાના પેન્ડીંગ કેસોની સંખ્યા સતત વધતી જાય છે.
હાલમાંજ આ અંગે રીસર્ચ ઓર્ગેનાઈઝેશન દક્ષીના રિપોર્ટ મુજબ દેશની વિવિધ હાઈકોર્ટ પાસે ટેક્ષ વિવાદના 12000 જેટલા મોટા કેસ પેન્ડીંગ પડયા છે અને એક દશકાથી આ 12000 કેસમાં એક પણ હીયરીંગ થયું નથી અને દેશમાં રૂા.16 લાખ કરોડની રકમ આ પ્રકારે ટેક્ષ વિવાદમાં ફસાયેલી છે.
રસપ્રદ બાબત એ છે કે, હાઈકોર્ટમાં પેન્ડીંગ કેસમાં અડધામાં પાંચ વર્ષથી કોઈ હીયરીંગ થયુ નથી. ટેક્ષ લીટીગેશનમાં વિલંબ એ ભારતમાં કરવેરા વસુલાતને વધુ જટીલ બનાવે છે. 2025-26ના પ્રારંભે કુલ 5.39 લાખ ટેક્ષ અપીલ પેન્ડીંગ હતી.
જેમાં કુલ રૂા.16.6 લાખ કરોડ ફસાયા છે. ટ્રીબ્યુનલ સ્તરે કુલ રૂા.6.85 લાખના કેસ પેન્ડીંગ છે. મોટાભાગની હાઈકોર્ટ તેની પાસે પુરતી જજ સંખ્યા મૌજૂદ નથી તેવી ફરિયાદ કરે છે. પણ આ કેસ પેન્ડીંગ હોવાના કારણે ભવિષ્યના ટેક્ષ કેસને પણ અસર થાય છે.
રૂા.16 લાખ કરોડ જેનો નિકાલ આવે તો વ્યાપાર-ઉદ્યોગને મદદ મળે અથવા સરકારની અટકેલી આવક છુટી થાય અને અદાલતી-કાનુની પ્રક્રિયા પર પણ દબાણ ઘટે તે નિશ્ચિત છે.
આ માટે આવકવેરા વિ. કાનુનની વ્યાખ્યા સરળ બનાવાઈ છે પણ આકારણી કરનાર અધિકારીઓ જોખમ લેવા માંગતા ન હોય તેઓ ટેક્ષ ડિમાન્ડ તે અપીલના તબકકામાં ધકેલવાનું પસંદ કરે છે.

