Mumbai,તા.૨
જ્યારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ૫ મેચની ટી ૨૦ શ્રેણીની બીજી મેચ ૨૪ રનથી જીતી હતી, ત્યારે આ મેચમાં ટીમ ઇન્ડિયાની ૨૧ વર્ષીય સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે પોતાના નામે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બ્રિસ્ટલ ગ્રાઉન્ડ પર રમાયેલી શ્રેણીની બીજી ટી ૨૦ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૮૧ રન બનાવ્યા હતા, જેમાં રિચાના બેટ પર ૨૦ બોલમાં ૬ ચોગ્ગાની મદદથી ૩૨ રનની અણનમ ઇનિંગ જોવા મળી હતી.
રિચા ઘોષે ઇંગ્લેન્ડની મહિલા ટીમ સામેની ૩૨ રનની ઇનિંગના આધારે ્૨૦ આંતરરાષ્ટ્રીયમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા. રિચા હવે પૂર્ણ સભ્ય દેશોમાં ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછા બોલમાં ૧૦૦૦ રન પૂરા કરનારી ખેલાડી બની ગઈ છે. રિચાએ આ આંકડો માત્ર ૭૦૨ બોલમાં હાંસલ કર્યો હતો, જ્યારે અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની ખેલાડી ક્લો ટ્રેઓનના નામે હતો, જેમણે ૭૨૦ બોલમાં ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. જો પૂર્ણ સભ્ય અને બિન-પૂર્ણ સભ્ય દેશોમાં જોવામાં આવે તો, રિચા આઇલ ઓફ મેનની લ્યુસી બાર્નેટ પછી બીજા ક્રમે છે. લ્યુસીએ ૭૦૦ બોલમાં ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં પોતાના હજાર રન પૂરા કર્યા.
જો આપણે ટીમ ઈન્ડિયાની આક્રમક વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષના આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો, તેણીએ ભારતીય ટીમ માટે વર્ષ ૨૦૨૦માં ૧૬ વર્ષની ઉંમરે પોતાની પહેલી મેચ રમી હતી. રિચાએ અત્યાર સુધીમાં ૬૪ ટી૨૦ મેચોની ૫૩ ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે ૨૭.૮૧ ની સરેરાશથી ૧૦૨૯ રન બનાવ્યા છે, જેમાં ૨ અડધી સદીની ઇનિંગ્સ પણ શામેલ છે. આ ઉપરાંત, રિચાએ ૩૭ વનડે અને ૨ ટેસ્ટ મેચ પણ રમી છે. રિચાએ વનડેમાં ૮૦૦ રન અને ટેસ્ટમાં ૧૫૧ રન બનાવ્યા છે.