આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં. : કોર્ટનું અવલોકન
Ahmedabad, તા.૨૭
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વર્ષ ૨૦૨૩માં ૧૨ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં યુવતી સહિત ત્રણ આરોપીને સ્પે. પોક્સો કોર્ટે ૨૦-૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને એક લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે જ ચુકાદામાં સ્પે. પોક્સો કોર્ટના જજ જે.એલ.ચોવટિયાએ નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, યુવતી સહિતના આરોપીઓના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં. અમરાઇવાડીમાં ૧૨ વર્ષની રેખા(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. રેખાને તેના જ વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષનો સંજય ઉર્ફે સલીમ કાનજીભાઇ વાઘેલા લલચાવી-ફોસલાવી ત્યાં જ રહેતી કિંજલ જયંતીભાઇ સોલંકી તથા ગીરીશ ત્રિકમભાઇ સિંઘવના ઘરે લઇ જતો હતો. ત્યારબાદ અવારનવાર રેખા પર સંજય બળાત્કાર ગુજારતો હતો. રેખા સગીર હોવાનું જાણવા છતા કિંજલ અને ગીરીશ સંજયનો સાથ આપતા હતા જેના કારણે વારંવાર બન્નેના ઘરે રેખાને લાવી સંજય બળાત્કાર ગુજારતો હતો. ઉપરાંત અમૂક વખત રેખાના ઘરે જઇને પણ સંજયે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે રેખાની માતાને જાણ થઇ હતી. જેથી તેણે રેખાની પૃચ્છા કરતા માતાને બળાત્કાર ગુજારવા અંગેની જાણ કરી હતી. આ અંગે રેખાની માતાએ ગીરીશ, કિંજલ અને સંજય સામે અમરાઇવાડી પોલીસ મથકમાં બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તબક્કાવાર આરોપીને ઝડપી લઇ જેલમાં ધકેલી દીધા હતા.આ મામલે પોલીસે ચાર્જશીટ કરતા કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, ૧૨ વર્ષની કિશોરી પર ૩૨ વર્ષના યુવકે બળાત્કાર ગુજાર્યો છે, આરોપીઓ સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખતમાં સખત સજા કરવી જોઇએ. જ્યારે આરોપીઓ તરફે ઓછી સજા કરવા રજૂઆત કરાઈ હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓને ૨૦-૨૦ વર્ષની કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યા છે.