Jharkhand, તા.4
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા. શહીદ થનારા સૈનિકોને ઓળખ સંતમ કુમાર અને સુનીલ રામ તરીકે થઇ હતી. જ્યારે આ એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થનારા જવાનની ઓળખ રોહિત કુમાર તરીકે થઈ છે.
આ કેસની માહિતી આપતાં ડીઆઈજી નૌશાદ આલમે જણાવ્યું હતું કે, પોલીસને સૂચના મળી હતી કે આ વિસ્તારમાં કર્મા પૂજાનું આયોજન થઈ રહ્યું છે અને આ સમય દરમિયાન પ્રતિબંધિત સંગઠન ટીએસપીસીના નક્સલીઓ આતંક ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે.
માહિતીના આધારે, એસપીના નેતૃત્વમાં પોલીસકર્મીઓએ પોતાને બે ટીમોમાં વહેંચી દીધા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન, હુમલામાં બે જવાન શહીદ થયા છે.
જવાનો પહાડી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા કે તરત જ છૂપાયેલા માઓવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે પણ વળતો જવાબ આપ્યો, પરંતુ એન્કાઉન્ટરમાં બે જવાન સંતન કુમાર મહેતા અને સુનીલ રામ શહીદ થયા હતા, આ સિવાય રોહિત કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ત્રણેય અગાઉ ટાઇગર મોબાઇલમાં તૈનાત હતા.
ફાયરિંગમાં માઓવાદીઓની પણ જાનહાનિ થવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી મૃતદેહો મળી શક્યા નથી. સમગ્ર ઘટના બાદ, આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.