Dhaka,તા.11
આતંકવાદી હાફિઝ સઈદ ભારત પર હુમલા માટે નવાં ષડયંત્ર બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સઈદ આ હુમલા માટે બાંગ્લાદેશને લોન્ચપેડ તરીકે તૈયાર કરી રહ્યો છે.
આ ખુલાસો પાકિસ્તાનના ખૈરપુર તામેવાલીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વીડિયોમાંથી થયો છે. લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું- હાફિઝ સઈદ ખાલી બેઠા નથી, તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે.
સૈફે કહ્યું- ભારત આપણી ઉપર હુમલો કરી રહ્યું હતું, અમેરિકા તેમની સાથે હતું, પરંતુ આજે તેમનો સાથ કોઈ આપતું નથી. સૈફે દાવો કર્યો કે, લશ્કરના આતંકી પહેલાંથી જ બાંગ્લાદેશમાં સક્રિય છે અને `ઓપરેશન સિંદૂર’નો બદલો લેવાની તૈયારીમાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાફિઝ સઈદે પોતાના નજીકના સાથીને બાંગ્લાદેશ મોકલ્યો છે, જે ત્યાંના યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. રેલીમાં આતંકવાદી સૈફે લોકોને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે ઉશ્કેર્યા હતા.
રેલીમાં બાળકો પણ હાજર હતા. આતંકવાદી સંગઠનો સગીરોને પણ ઉશ્કેરીને તેમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવા માગે છે. તેણે કહ્યું, હવે અમેરિકા આપણી સાથે છે. બાંગ્લાદેશ પણ ફરીથી પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે.
તાજેતરમાં લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભારતમાંથી હિન્દુઓનો નાશ કરવાની ધમકી આપી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પહેલાં લેવામાં આવ્યો હતો. કસુરી આ હુમલાના માસ્ટર માઇન્ડ્સમાંનો એક છે.
વીડિયોમાં તે કહે છે, આપણો કાફલો ન તો રોકાશે કે ન તો થોભશે અને જ્યાં સુધી આપણે આખા ભારતમાં ‘લા ઇલાહા ઇલ્લાલ્લાહ’ (અલ્લાહ સિવાય કોઈ નથી)નો ધ્વજ લહેરાવીશું નહીં ત્યાં સુધી શાંતિથી બેઠીશું નહીં.’
આ પહેલાં 17 સપ્ટેમ્બરના રોજ કસુરીએ ટેલિગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ભારત અને પીએમ મોદીને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી.
વીડિયોમાં કસુરીએ ચેતવણી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય બંધ, નદીઓ અને વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
કસુરી જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા અને TRF આતંકવાદી પ્રવૃત્તિઓનો મુખ્ય સંચાલક છે. કસુરી સૈફુલ્લાહ ખાલિદના નામથી પણ ઓળખાય છે. તે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદનો જમણો હાથ છે.

