Ahmedabad તા.4
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડીઝ સામેના પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એક ઈનિંગ અને 140 રનથી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. પાંચ દિવસનો ટેસ્ટ મેચ માત્ર અઢી દિવસમાં સમાપ્ત થઈ ગયો હતો. બીજી ઈનિંગમાં પણ વિન્ડીઝ માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. રવિન્દ્ર જાડેજાએ 4 તથા સિરાજે 3 વિકેટ લઈને પ્રવાસી ટીમનો વાવટો સંકેલાવી નાખ્યો હતો.
ભારતે પાંચ વિકેટે 448 રનના જુમલે જ દાવ ડીકલેર કરી દીધો હતો. 286 રનની સરસાઈ મેળવી હતી. વિન્ડીઝ બીજો દાવ લેવા મેદાને પડયું હતું અને 8મી ઓવરથી જ ધબડકો શરૂ થઈ ગયો હતો. સિરાજે ચંદ્રપૌલને 8 રને નિતિશ રેડ્ડીના હાથમાં ઝીલાવી દીધો હતો. ભારતીય કપ્તાને એક છેડેથી સ્પીન એટેક શરૂ કરાવ્યો હતો અને જાડેજા ત્રાટકયો હતો. ઓપનર કેમ્પબેલને 14 રને તંબુ ભેગો કર્યો હતો. ત્યારબાદ કીંગને 105 રને ઉડાવ્યો હતો.
કપ્તાન ચેઈઝ માત્ર 1 રને કુલદીપના દડામાં બોલ્ડ થયો હતો અને ફરી જાડેજાએ ત્રાટકીને હોપને 1 2ને આઉટ કર્યો હતો. આ તકે વિન્ડીઝ માત્ર 46 રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠુ હતુ ત્યારે એક છેડો સાચવીને ઉભેલા અથાનઝે અને ગ્રીવ્ઝે વધુ રકાસ ખાળ્યો હતો.
બન્નેએ 43 રનની ભાગીદારી કરી ત્યારે સુંદર ત્રાટકયો હતો અને અથાનઝેને 38 રને આઉટ કર્યો હતો. ગ્રીવ્ઝ સિરાજના દડામાં 25 રને લેગબીફોર થયો હતો. વોટીકન ખાતુ ખોલાવી શકયો ન હતો. પુછડીયા ખેલાડીઓ લેઈને 14 તથા સિલ્સે 22 રન બનાવ્યા હતા અને આખી ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતનો ઈનિંગ અને 140 રનથી વિજય થયો હતો.
ભારત વતી રવિન્દ્ર જાડેજાએ 4 સિરાજે 3, કુલદીપ યાદવે 2 અને સુંદરે એક વિકેટ ઝડપી હતી.આ સાથે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થઈ ગયુ છે.વિન્ડીઝની ટીમ આજે બે સત્ર સુધી પણ બેટીંગ કરી શકી ન હતી અને માત્ર 45.1 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી બેટીંગમાં સદી ફટકારનાર તથા વિન્ડીઝની બીજી ઈનીંગમાં 4 વિકેટ ઝડપનાર રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
►છેલ્લી 15 ઈનિંગમાં વિન્ડીઝ માત્ર બે વખત 200થી વધુ રન કરી શકયુ
અમદાવાદ ટેસ્ટમાં બન્ને દાવમાં વિન્ડીઝનો ધબડકો થયો હતો. વિન્ડીઝનું કંગાળ ફોર્મ જારી રહ્યુ હતું. છેલ્લી 15 ઈનિંગમાં વિન્ડીઝ માત્ર બે વખત 200થી વધુ રન કરી શકયુ છે અને કયારેય દડો બદલાવવા સુધી ટકી શકયુ નથી.
►ભારત વિન્ડિઝના છેલ્લા પાંચેય ટેસ્ટ 3 દિ’માં જ પૂરા થયા છે
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અમદાવાદ ટેસ્ટ માત્ર અઢી દિવસમાં પૂર્ણ થઈ ગઈ. ભારતે આ મેચ એક ઇનિંગ્સ અને 140 રનથી જીતીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી. આ મેચમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 104 રન બનાવ્યા અને ચાર વિકેટ ઝડપી. અત્રે ઉલ્લેખનીય છે.
કે વેસ્ટ ઇન્ડીઝની ભારત સામેની પાંચ ટેસ્ટ મેચોમાંથી એક પણ મેચ ત્રીજા દિવસથી આગળ વધી શકી નથી.જેમાં 2013 માં કોલકાતા.ખાતે રમાયેલી મેચમાં એક ઇનિંગ અને 51 રનથી હાર થઈ હતી.
ત્યારબાદ મુંબઈ વર્લ્ડ કપ માં એક ઇનિંગ અને 126 રનથી હાર,2018 માં રાજકોટ ખાતેયોજાયેલ મેચમાં એક ઇનિંગ અને 272 રનથી હાર,હૈદરાબાદ ખાતે 10 વિકેટથી હાર, અને ગઈકાલે અમદાવાદ ખાતે એક ઇનિંગ અને 140 રનથી હાર થઈ છે. આ પાંચ ટેસ્ટ મેચ ત્રણ દિવસમા જ પૂરી થઈ ગઈ.
►ભારતે 8મી વખત વિન્ડીઝ સામે ઈનિંગ કરતા મોટી જીત મેળવી
ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે 17 ટેસ્ટ મેચના પરિણામ એક ઈનિંગ કરતા મોટા વિજયના આવ્યા છે. એક જમાનામાં વિન્ડીઝ ક્રિકેટનો દબદબો હતો. વિન્ડીઝે ભારતને 9 વખત ઈનિંગથી મોટા માર્જીનથી હરાવ્યુ હતું. વિન્ડીઝની આ તમામ જીત 20મી સદીની હતી. 21મી સદીમાં ભારતે 8 વખત વિન્ડીઝને ઈનિંગ કરતા મોટા માર્જીનથી હરાવ્યુ છે.
►બીજી ઈનિંગમાં વિકેટ મળ્યાનો અલગ જ આનંદ છે: સિરાજ
વિન્ડીઝ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજે સાત વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગમાં 4 અને બીજા દાવમાં 3 વિકેટ મેળવી હતી. સિરાજે કહ્યું કે બીજા દાવમાં પીચ ધીમી થઈ ગઈ હતી. 3 વિકેટ મળવા છતાં પાંચ વિકેટ મળ્યાનો આનંદ છે. ભારતમાં બીજી ઈનિંગમાં પ્રથમ વખત વિકેટ મેળવી શકયાની લાગણી કાંઈક જુદી જ છે. ભારતે બેટીંગ-બોલીંગ બન્નેમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું.