Maharashtra તા.19
મહારાષ્ટ્રમાં ફરી ચગેલા ભાષાકીય વિવાદમાં હવે એક તરફ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આક્રમક બનીને તેમના ટેકેદારોને મરાઠી બોલવાનો ઈન્કાર કરનાર કે મરાઠી સામે વિરોધ કરનારને ફટકારવાની ખુલ્લી છુટ આપી છે તે વચ્ચે હવે મુંબઈમાં ગુજરાત ભાજપના ધારાસભ્યની ઓફિસનું બોર્ડ મરાઠીમાં રાખવા પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ધમકી આપી છે.
કચ્છના રાપરમાંથી ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની મુંબઈમાં ઓફિસ છે જેનો ઉદેશ અહી વસતા કચ્છી નાગરિકોને મદદ માટે કામગીરી કરવામાં આવે છે અને તેમનો સંપર્ક પણ જાળવવામાં મદદ થાય છે તે સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ બે દિવસ પહેલા જ ઓફિસનું બોર્ડ ગુજરાતી નહી મરાઠીમાં રાખવા અને જો તેમ ન કરે તો ઓફિસને તોડી નાંખવાની ધમકી આપી હતી.
ધારાસભ્ય જાડેજાએ પણ સ્વીકાર્યુ કે તેમના કાર્યાલયના માણસને આ પ્રકારની ધમકી મળી છે પણ મારો સંપર્ક ગુજરાતીઓ માટે છે અને તેથી મે ગુજરાતીમાં બોર્ડ રાખ્યુ છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ પણ મુંબઈથી મહારાષ્ટ્રને અલગ કરનારના ટુકડા કરી દેવાની ધમકી આપી છે.
એક વાતચીતમાં તેમણે કહ્યું કે મુંબઈનું મહત્વ ઘટાડાઈ રહ્યું છે. દેશની નાણાંકીય રાજધાનીના સમાંતર અન્ય સ્થળે નાણાંકીય કામકાજ ખસેડવા પ્રયત્ન થઈ રહ્યા છે જે અમે ચલાવી લેશું નહી. તેમનો ઈશારો ગુજરાતના ગીફટ સીટી અને ઉતરપ્રદેશમાં નોઈડામાં જે રીતે ફિલ્મસીટી બનાવવાની યોજના છે તેના તરફ હતો.