Ahmedabad,તા.29
થાઈલેન્ડ ફરવા ગયેલા યુવકોને રૂપિયાની લાલચ આપીને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. એરપોર્ટ પોલીસે એરપોર્ટ ટર્મીનલ-2 ના ગેટ પાસેથી રૂા.2.10 કરોડની કિંમતનાં 7.5 કિલો હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહીત સાત વ્યકિતઓની ધરપકડ કરી છે. જેમાં જુનાગઢ, જામનગરનાં ચાર શખ્સો પણ સામેલ છે.
ડીસીપી ઝોન-4 ડો.કાનન દેસાઈ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનનાં પીઆઈ એસ.જી. ખાંભલાની ટીમને બાતમી મળી હતી કે થાઈલેન્ડથી આવી રહેલી ફલાઈટમાં કેટલાંક શખ્સો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ માહિતીના આધારે વોચમાં બેઠેલી એરપોર્ટ પોલીસ ની ટીમે ઈન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મીનલ-2 ના ગેટ પાસેથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે 7 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ આરોપીઓ પાસેથી રૂા.2.10 કરોડની કિંમતના 7.5 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે કે ગાંધીનગરનાં પેથાપુરની રહેવાસી મનીષા ખરાડી નામની યુવતી તેના પ્રેમી અશરફખાન ઉર્ફે સમીરનાં કહેવાથી થાઈલેન્ડની ટ્રીપ પરથી પાછા આવી રહેલા લોકોની બેગમાંનો હાઈબ્રીડ ગાંજાના જથ્થો લઈને ફરાર થઈ જતો હતો.
હાલમાં પોલીસે એક મહિલા સહીત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપી અશરફખાનની શોધખોળ આદરી છે. મળતી માહીતી મુજબ અશરફખાન થાઈલેન્ડ ફરવા જનારા તમામ લોકોનો રહેવા જમવા હરવા ફરવાનો અને અન્ય સુખ સુવિધા ભોગવવા સહીતનો ખર્ચ ઉઠાવતો હતો. જયારે તેઓ ભારત આવવાના હોય ત્યારે તેમને એક બેગ આપવામાં આવી હતી સાથે રૂા.7 હજાર પણ આપવામાં આવતા હતા. જેના બદલામાં તેમણે એક માત્ર બેગ લઈ જવાની રહેતી હતી જેમાં હાઈબ્રીડ ગાંજો ભરેલો હતો.
એરપોર્ટ પર લગેજ સ્કેનરમાં બેગમાં રહેલો ગાંજો પકડાય જાય નહિં તેના માટે થઈને કુશનમાં રહેતા રૂમાં ગાંજો પ્લાસ્ટીકની થેલીમાં ઠસોઠસ પેક કરીને મુકવામાં આવતો હતો. જેના લીધે એરપોર્ટ પર હેન્ડલ બેગ સ્કેન થાય પરંતુ ગાંજો હોવાની જાણ થાય નહિં અને તે તમામ હેન્ડલ બેગ મહિલા આરોપી મનીષા ખરાડી એરપોર્ટની બહારથી મેળવી લેતી હતી
ઝડપાયેલા આરોપીઓ
શોયેબ યુસુફભાઈ બિયારા (ઉ.વ.22 રહે.જુનાગઢ)
અકીલ કોલાદ (ઉ.વ.24, રહે.જુનાગઢ)
નદીમ અમરેલીયા (ઉ.વ.28 રહે.જુનાગઢ)
મોહમ્મદ ફરહાન શેખ (ઉ.વ.30 રહે.જામનગર)
સહેજ તૈયબ મિયાણા (ઉ.વ.34 રહે.જુહાપુરા અમદાવાદ)
મનીષા ખરાડી (ઉ.વ.26 રહે.ગાંધીનગર પેથાપુર