Rajkot. તા.20
લોધીકાના વડ વાજડી ગામે રહેતી મહિલા અને તેના પતિને મૂળ પડધરીના નાની અમરેલી ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા ગુજસીટોક સહિતના ગુનામાં કુખ્યાત રાજકોટના રમેશ રાણાએ જો હવે પૈસા માંગ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે મહિલાએ મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ હાથ ઉછીના રૂપિયા ત્રણ લાખ આપ્યા હોય જે પરત માંગતા નામચીન શખસે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
બનાવ અંગે લોધીકાના વડ વાજડી ગામે રહેતા મૂળ ધોરાજીના નાની પરબડીના વતની પૂજાબેન ભરતભાઈ પારઘી (ઉ.વ 30) દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ રાણા મકવાણા (રહે.જડુસ હોટલ પાસે, રાજકોટ) નું નામ આપી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વડવાજડી ગામે છેલ્લા ત્રણ મહિનાથી રહે છે.
સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, પાંચેક વર્ષ પહેલા રમેશ મકવાણા સાથે તેમને સંબંધ હોય જેથી તેમને હાથ ઉછીના રૂપિયા ત્રણ લાખ આપ્યા હતાં. પરંતુ રમેશે આજ સુધી પૈસા પરત આપ્યા ન હોય જેથી તેની પાસે પૈસા પરત માંગતા રમેશ ગત તા. 16 ના સાંજના સાતેક વાગ્યા આસપાસ પરિણીતા તથા તેમના પતિ અને સંતાનો ઘરે હતા ત્યારે કાર લઈને ઘસી આવ્યો હતો અને દંપતીને કહ્યું હતું કે, હવે પછી મારી પાસેથી પૈસા માંગતા નહીં અને જો માંગીશ તો હું તમને જાનથી મારી નાખીશ. તેમ કહી ગાળો આપી હતી.
બાદમાં ગઈકાલ સવારના દસેક વાગ્યા આસપાસ ફરિયાદીએ રમેશની પત્નીને ફોન કરી પૈસા માંગતા રમેશે ફરી વાર ગાળો આપી હતી. રમેશ મકવાણા ગુનો આચારવાની ટેવવાળો હોય અને થોડા સમય પહેલાં જેલમાંથી બહાર આવ્યો હોય તેમજ ઝનુની સ્વભાવનો હોય જેથી અંતે પરિણીતાએ આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નામચીન રમેશ રાણા સામે અગાઉ સંખ્યાબંધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જમીન કૌભાંડ સહિતના ગુનામાં સંડોવાયેલો રમેશ રાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસને ચકમો આપી ફરાર પણ થઈ ગયો હતો તેમજ રમેશ રાણા અને તેના સાગરીતો સામે ગુજસીટોકનો પણ ગુનો નોંધાઇ ચૂકયો છે.