Gandhinagar,તા.21
ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખેલ સહાયકની વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલ સહાયકની વય મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ વય મર્યાદા 38 વર્ષ હતી, જે હવે વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. મંત્રી કુબેર ડિંડોરે ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0’ કાર્યક્રમ દરમિયાન આ મહત્વની જાહેરાત કરી હતી.
આ નિર્ણય ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ના ઉમેદવારો માટે લાગુ થશે. વય મર્યાદામાં થયેલા આ વધારાથી ઘણા એવા ઉમેદવારોને તક મળશે જેઓ અગાઉ વય મર્યાદાના કારણે અરજી કરી શકતા ન હતા.
શિક્ષણ વિભાગના આ નિર્ણયને યુવાનો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. આશા છે કે આનાથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે.