Washington,તા.07
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી અત્યંત કટૂતા અને આક્રમક રીતે અલગ થયા બાદ વિશ્વના સૌથી ધનવાન અને ટેસ્લા સહિતની અનેક અમેરિકી-વૈશ્વિક જાયન્ટ કંપનીના બોસ એલન મસ્કે હવે અમેરિકાના રાજકારણમાં ઝંપલાવવા અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના રીપબ્લીકન પાર્ટી અને વિપક્ષ ડેમોક્રેટીક પાર્ટીને પણ પડકારવા તૈયારી કરી છે.
તેમના જ માલીકીના એકસ પર મસ્કે શું અમેરિકાને નવા રાજકીય પક્ષની જરૂર છે તેવા એક ‘ઓપીનીયન પોલ’ જેવી ઝુંબેશમાં 56 લાખ લોકોમાંથી 80.4% એ સમર્થન આપ્યુ છે. મસ્કે તે પરિણામ શેર કરતા કહ્યું કે લોકોજ હવે નવો રાજકીય પક્ષ ઈચ્છે છે.
અમેરિકાને એક એવા નવા પક્ષની જરૂર છે જે 80% લોકોના અવાજ બને. તેઓએ આ માટે ‘ધ અમેરિકા પાર્ટી’ જેવું નામ પણ રજુ કર્યુ છે. આમ હવે તેમાં રાજકીય રીતે પણ ટ્રમ્પને પડકારે તેવા સંકેત છે. દુનિયાના સૌથી શક્તિશાળી ગણતા અમેરિકાના પ્રમુખ અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે સતત નંબર વન પર રહેલા એલન મસ્કની આ ટકકર હવે ખરેખર રીતે આગળ વધે છે કે કેમ તેના સૌની નજર છે.
બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે મસ્ક માટે કઈ કહેવુ નથી તેવુ કહીને એ સંકેત આપી દીધો હતો કે તેઓ હવે મસ્કની કંપનીઓને નિશાન બનાવે છે. ટેસ્લા જે ઈલેકટ્રીક કાર બનાવે તેમાં અમેરિકા સરકારની જંગી સબસીડી છે અને મસ્કના અનેક સાહસોમાં અમેરિકી સરકાર સાથે 100 જેટલા કોન્ટ્રાક ધરાવે છે જેની કિંમત અબજોમાં થવા જાય છે.
સ્પેસ એકસ મીશન પુરી રીતે નાસાના સહયોગ પર ચાલે છે અને તેમાં 22 બીલીયન ડોલરના કોન્ટ્રાકટ છે. જો કે વ્હાઈટ હાઉસના પ્રવકતાએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ હવે મસ્કની કોઈ ચિંતા કરતા નથી અને તેઓ પોતાના આર્થિક કાર્યક્રમમાં આગળ વધે છે.
બીજી તરફ ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો છે કે તેઓએ હાલમાંજ જે રીતે ટેસ્લા કાર ખરીદી હતી તે પણ વેચી નાખવા વિચારે છે. આમ બન્ને આક્રમક અને પુરા શક્તિશાળી વ્યકિતત્વની ટકકરમાં હવે મસ્કની કંપનીઓને કેટલું આર્થિક નુકસાન જાય છે તેના પર પણ ગણતરી શરૂ થઈ છે.
મસ્કને બેહદ ખાસ વ્યક્તિ ગણાવતું રશિયા: રાજકીય શરણ આપવા ઓફર
ટ્રમ્પતંત્રમાં હવે મસ્કના વિરોધીઓ બહાર આવવા લાગ્યા: દેશનિકાલ કરવા સુધીની માંગ
મોસ્કો: અમેરિકામાં અચાનક જ શરૂ થયેલી ટ્રમ્પ-મસ્ક વોરમાં હવે રશિયાએ પણ ઝુકાવ્યુ છે. અમેરિકામાં એક અવાજ એવો પણ ઉઠયો છે કે મસ્કને ગેરકાનુની વસાહતી (એલીયન) જાહેર કરવામાં આવે અને તેની સંપતિ પણ જપ્ત કરવી જોઈએ પણ રશિયાએ હવે એલન મસ્કને રાજકીય શરણ આપવા ઓફર કરી છે.
રશિયાની આંતરરાષ્ટ્રીય બાબતોની કમીટીના ઉપાધ્યક્ષ દિમિત્રી નોવિકોવ ને એવું પુછાયુ કે શું એડવર્ડ સ્નોડેનની માફક મસ્કને આંતરરાષ્ટ્રીય શરણ અપાશે તો તેઓએ કહ્યું કે મસ્ક બેહદ ખાસ વ્યક્તિ છે અને તેઓએ કોઈ રાજકીય શરણ લેવાની જરૂર નથી. પણ જો મસ્ક ઈચ્છતા હોય તો અમારો દેશ તેમને રાજકીય શરણ આપવા તૈયાર છે.
હવે ટ્રમ્પ શાસનમાં જેઓ મસ્કના ટીકાકારો છે તેઓ ખુલ્લેઆમ બહાર આવવા લાગ્યા છે તથા મસ્ક સાથે આકરા પગલાની માંગ કરી રહ્યા છે.