New Delhi,તા.૧૯
ક્રિકેટના ઈતિહાસમાં અનેક એવા રેકોર્ડ બન્યા જે સાંભળવામાં અશક્ય જેવા લાગે પરંતુ થયા અને ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયા. તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જેમાં બેટરે માત્ર ૯ બોલમાં અડધી સદી ફટકારી દીધી. આ રેકોર્ડ કોઈ લોકલ ટુર્નામેન્ટ કે પછી કોઈ ટી૨૦ લીગની મેચનો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રેકોર્ડ છે. ૧૦૦ વર્ષમાં પણ આ રેકોર્ડ કોઈ તોડે તે શક્યતા નહીંવત હશે.
આ બેટરે ઈન્ટરનેશનલ મેચમાં ૫૨૦ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. ગણતરીની પળોમાં છગ્ગાઓનું એવું તોફાન લાવી દીધુ કે માત્ર ૯ બોલમાં બેટરે ૫૦ રન ઠોકી દીધા. આ બેટર સામે બોલરો અને ફીલ્ડર્સ લાચાર જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેણે ૬ બોલમાં ૬ છગ્ગાના યુવરાજ સિંહના રેકોર્ડની પણ બરાબરી કરી અને તેમના સૌથી ફાસ્ટ અડધી સદીના રેકોર્ડને પણ તોડ્યો.
આ મેચ વર્ષ ૨૦૨૩ની છે જ્યારે એશિયન ગેમ્સમાં નેપાળ અને મોંગોલિયા વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં નેપાળની ટીમે મોંગોલિયાના બોલરો સાથે ગજબ ખેલ કરી નાખ્યો. પાંચમા નંબરે ઉતરેલા નેપાળના ઓલરાઉન્ડર દીપેન્દ્રસિંહ એરીએ પહેલા જ બોલથી ફટકારવાનું શરૂ કરી દીધુ. તેમને ૧૯મી ઓવરમાં બેટિંગ કરવાની તક મળી અને ત્યારે ટીમ પાસે માત્ર ૧૧ બોલ બાકી હતા.
૧૧ બોલમાંથી દીપેન્દ્રસિંહે ૯ બોલ રમ્યા. ૧૯મી ઓવરના પહેલા બોલ પર વિકેટ પડી અને દીપેન્દ્રસિંહ બેટિંગ કરવા આવ્યો. બોલરે બે બોલ વાઈડ ફેક્યા, પરંતુ જેવો બોલ સીધો આવ્યો કે દીપેન્દ્રએ બાઉન્ડ્રી પાર મોકલી દીધો. ત્યારબાદ ત્રીજા, ચોથા, પાંચમા, અને છઠ્ઠા બોલના પણ આ જ હાલ થયા. માત્ર ૫ બોલમાં ૩૦ રન થઈ ગયા. ૨૦મી ઓવરના પહેલા બોલ પર કુશલે દીપેન્દ્રના હવાલે છેલ્લી ઓવરના ૫ બોલ કર્યા. ત્યારબાદ તો ધમાલ મચી. ૨૦મી ઓવરનો બીજો બોલ બાઉન્ડ્રી પાર ગયો અને ૬ બોલમાં એરી ૩૬ પર પહોંચ્યો અને યુવરાજસિંહના રેકોર્ડની બરાબરી કરી. ત્રીજા બોલ પર તે ૨ રન દોડ્યો. ત્યારબાદ બીજા બે બોલ પર છગ્ગા ફટકારીને માત્ર ૯ બોલમાં અડધી સદી પૂરી કરી અતૂટ રેકોર્ડ બનાવી દીધો. તેણે ૧૦ બોલમાં ૫૨ રન ઠોકીને ક્રિકેટમાં નવો ઈતિહાસ કાયમ કર્યો. તેણે યુવરાજસિંહના ૧૨ બોલમાં ફિફ્ટીનો રેકોર્ડ પણ તોડ્યો.
નેપાળની ટીમે આ મેચમાં ટી૨૦ ઈન્ટરનેશનલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ૩૧૪ રન કર્યો. જો કે એક વર્ષ બાદ ઝિમ્બાબ્વેએ ૩૪૪ રન કરીને રેકોર્ડ તોડ્યો. નેપાળ તરફથી કુશલ મલ્લાએ પણ ૫૦ બોલમાં ૧૨ છગ્ગા અને ૮ ચોગ્ગાની મદદથી ૧૩૭ રન કર્યા હતા. કેપ્ટન રોહિત પૌડલે ૨૭ બોલમાં ૬ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૬૧ રન કર્યા હતા. આ દમદાર ઈનિંગ્સના કરાણે નેપાળની ટીમ ૩૧૪ રન કરી ગઈ અને ૨૭૩ રનથી જીતી હતી.