જેપી નડ્ડાએ દિલ્હીમાં FORDA, IMA અને સરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સ એસો.ના આગેવાનો સાથે મુલાકાત કરી
Kolkata, તા.૧૭
કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને દેશભરના ડોકટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૭ ઓગસ્ટે ૨૪ કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. હવે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક પ્રેસ રિલીઝ દ્વારા ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની બાહેંધરી આપી છે. આ સિવાય જરૂરી પગલાં લેવા માટે એક કમિટી બનાવી સૂચનો માંગવામાં આવશે. ડેન્ગ્યુ અને મલેરિયાના વધી રહેલા કેસના કારણે મંત્રાલય દ્વારા ડોક્ટર્સને ફરજ પર હાજર રહેવા વિનંતી પણ કરવામાં આવી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૭ ઓગસ્ટે ૨૪ કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ શનિવાર સવારે ૬ વાગ્યાથી રવિવાર સવારે ૬ વાગ્યા સુધી ચાલશે.
વિરોધ દરમિયાન, આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી સારવાર સિવાય તમામ સ્વાસ્થ્ય સેવાઓ બંધ રખાશે. તબીબો ન્યાય અને તાત્કાલિક સુધારાની માંગ કરી રહ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરોને કામ કરવાના સ્થળે અને રહેઠાણ સ્થળે હિંસાથી બચાવવા કેન્દ્રીય કાનૂનની માંગ કરી રહ્યા છે.
ડોક્ટરોની હડતાળ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA,IMA), ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં સ્વાસ્થ્ય સેવા સંઘોએ કાર્યસ્થળો પર સ્વાસ્થ્ય સેવા કર્મીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્વાસ્થ્ય સેવા કર્મીઓને સુરક્ષા પૂરી પાડવા ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વાસ્થ્ય સેવા સંઘોની માંગ પ્રેસ રિલીઝ મારફતે આશ્વાસન આપતાં કહ્યું કે, સરકાર સ્વાસ્થ્ય સેવા કર્મીઓ સામે આવતા પડકારોથી ખૂબ સારી રીતે વાકેફ છે અને આ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. ૨૬ રાજ્યોમાં પહેલાંથી જ સ્વાસ્થ્ય સેવા કર્મીઓની સુરક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે, જે આ મામલે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયાના વધી રહેલા કેસના મુદ્દાને ધ્યાનમાં લઇને વિરોધ કરી રહેલા ડોક્ટર્સને ફરજ પર હાજર રહેવા વિનંતી પણ કરવામાં આવી છે.