Gandhinagar,તા.01
ગાંધીનગર ગીફટ સિટિમાં ફુડઝોનની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયા છે. ફિલ્મી હસ્તી શિલ્પા શેટ્ટીની બાસ્ટીઅન હોસ્પિટાલિટિ લિ.ને ફાયદો થાય તે રીતે ટેન્ડરની શરતમાં રાતોરાત ફેરફાર કરી ગુજરાત સરકારને 68 કરોડ રૂપિયાનું નુકસાન થાય તે રીતે ફૂડઝોનનો કોન્ટ્રાકટ પધરાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આ ગીફટ સિટિ માટે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટિ કંપની દ્વારા સેન્ટ્રલ પાર્કમાં ફૂડઝોનનો કોન્ટ્રાકટ આપવા બીજી જુલાઈ 2025ના રોજ વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવી. જેમાં પ્રી-બિડ કિલેરિફિકેશન 13-8-2025ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 13-8-2025થી 2-9-2025સુધી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી. જ્યારે ફિઝિકલ ટેન્ડર રજૂ કરવાની 3-9-2025 નક્કી કરવામાં આવી હતી. આ ટેન્ડર પ્રક્રિયામાં ફૂડ કંપનીઓને 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા અને 1 લાખ ચોરસ ફુટ જગ્યા ફૂડઝોન તૈયાર કરવા અને મેન્ટેઈન કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં 65 લાખ રૂપિયા એક મહિનાનું ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ 8થી 8.50 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી હોય તેવી ફુડ કંપની ટેન્ડર ભરી શકશે તેમ જણાવવામાં આવ્યું હતું.
જેમાં મહિને 65 લાખ રૂપિયા પ્રમાણે એક વર્ષનું ભાડું 7.80 કરોડ રૂપિયા થાય. 15 વર્ષના કોન્ટ્રાકટમાં ગીફ્ટ સિટિ કંપનીને 120 કરોડ રૂપિયાની આવક થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 18 ટકા જીએસટી પ્રમાણે 21.60 કરોડ રૂપિયાનો ટેક્સ મળવા પાત્ર હતો. ત્યારબાદ ભાડામાં ઘટાડો કરી પ્રતિ ચોરસ ફુટ 55 રૂપિયા નક્કી કર્યું. તેમાં પણ માત્ર 15 દિવસ બાદ તુરત ભાડાના દરમાં વધુ ઘટાડો કરી 45 રૂપિયા પ્રતિ ચોરસ ફુટ કરવામાં આવ્યું હતું. અચાનક રાતોરાત 45 રૂપિયાના સ્થાને ભાડામાં ઘટાડો કરી 35 રૂપિયા પ્રતિ ચોરસ ફુટ ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. આમ દર મહિને 65 લાખ રૂપિયા ભાડું જે શરૂઆતમાં નક્કી કરાયું હતું. તેમાં મહિને ખાસ્સો 30 લાખ રૂપિયાનો ઘટાડો કરી દેવાયો.
ટેન્ડરની શરતો મુજબ વાર્ષિક 8થી 8.50 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ ફુડઝોનના ટેન્ડરમાં ભાગ લઇ શકશે તેને કારણે ગુજરાત અને પરપ્રાંતની 4થી 5 કંપનીઓ ટેન્ડરમાં ભાગ લઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાતા માનીતી કંપનીને કોન્ટ્રાકટ મળે તે માટે ટર્નઓવરની શરતમાં રાતોરાત ફરી એકવાર ફેરફાર કરી જે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડથી વધુ હોય તે કંપની ટેન્ડર ભરી શકશે.
જેથી ગુજરાત સહિતની અન્ય કંપનીઓ ટેન્ડર ભરી શકવામાં સક્ષમ બની શકી નહીં અને ફિલ્મી દુનીયાની હસ્તી શિલ્પા શેટ્ટી જે કંપનીમાં વધુ ઈક્વિટી ધરાવે છે તે કંપની બાસ્ટિઅન હોસ્પિટાલિટિ લિમિટેડને પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા પ્રમાણેનું ભાડુ નક્કી કરી 1,01,796 ચોરસ ફુટ જમીન ફૂડઝોન માટે પધરાવી દેવામાં આવ્યો છે.
બાસ્ટીઅન હોસ્પિટાલિટિ પ્રા.લી. કંપનીનું નામ અગાઉ આલિયા હોસ્પિલિટિ હતું. જેની સ્થાપના 2014મા રણજીત બ્રિદ્રાએ કરી હતી. વર્ષ 2015માં તેનું નામ બદલવામાં આવ્યું અને 2019માં ફિલ્મી હસ્તી શિલ્પા શેટ્ટીએ 50 ટકાનો હિસ્સો ખરીદ્યો હતો. બાસ્ટીઅન હોસ્પિટાલિટિ કંપનીએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી 23.30 કરોડ રૂપિયા અને ઈન્ડિયન બેન્કમાંથી 8.90 કરોડ રૂપિયાની લોન મેળવી છે. જ્યારે એક્સસીસ બેન્કમાંથી લોન લીધી છે. શિલ્પા શેટ્ટીની એસએસકે યોગ પ્રા.લી. કંપની દ્વારા બાસ્ટીઅન હોસ્પિટાલિટિમાં 50 ટકાનો હિસ્સો ખરીદવામાં આવ્યો હતો.
ફૂડ કોર્ટના આ કોન્ટ્રાકટમાં સરકારની આવક વધે તેના બદલે પરપ્રાંતીય માનીતા કોન્ટ્રાકટરને ફાયદો થાય તેવી શરતોએ કોન્ટ્રાકટ પધરાવી દેવામાં આવ્યો છે. ટેન્ડર બહાર પાડ્યા પછી અવાર-નવાર ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા જેને કારણે સ્થાનિક ગુજરાતી વ્યાપારીઓની બાદબાકી કરી દેવામાં આવી છે. આમ 8થી 8.50 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્ન ઓવરના નિયમમાં ફેરફાર કરી 10 કરોડ રૂપિયાથી વધુ ટર્ન ઓવરનો નિયમ કરી દેવામાં આવ્યો જ્યારે કેટલાકને અનુભવના બહાને હટાવી દેવામાં આવ્યા.

