Rajkot,તા.17
રાજકોટની પેડાં ગેંગના સાગરિત પરીક્ષિત ઉર્ફે પરેશ બડદા (ઉ.વ.૨૪) ઉપર ફાયરિંગ કરી નાસી ગયેલી જંગલેશ્વરની ટોળકીના ત્રણ સભ્યોને એસઓજીએ ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં આ ટોળકી પરેશને સબક શીખડાવવા માટે અઠવાડિયાથી રેકી કરતી હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓ પાસેથી એસઓજીએ ગુનામાં વપરાયેલી દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કાર્ટિસ, વર્ના કાર અને રોકડા રૂા. ૨૬,૯૦૦ મળી કુલ રૂા. ૫.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં હજી એક આરોપી નાસતો ફરે છે. ફાયરિંગ કર્યા બાદ તમામ આરોપીઓ ભાડલા તરફ ભાગી ગયા હતા.
આરોપી સમીર લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ ચોરી, દારૂ, હુમલો, મારામારી, ખૂનની કોશિષ સહિતના ૧૨ ગુના નોંધાયેલા છે. આરોપી શાહનવાઝ વિરૂધ્ધ રાયોટિંગ સહિતનો એક ગુનો જ્યારે આરોપી સોહીલ ઉર્ફે ભાણા વિરૂધ્ધ રાયોટિંગ, જુગારધારા સહિતના ચાર ગુના નોંધાયેલા છે.