New Delhi,તા.14
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલાં આર્થિક સંઘર્ષની ભારત પર પણ થોડી અસર પડી શકે છે. નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, આ ઝઘડાને કારણે અમેરિકન ખરીદદારો વૈકલ્પિક સપ્લાયર્સની શોધમાં છે અને ભારત તેનાં માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિકાસ ભારત અને યુએસ વચ્ચેની દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોને પણ વેગ આપી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા વધારાનાં ટેરિફની જાહેરાત કરી છે, જે 1 નવેમ્બરથી લાગું થશે. આ પછી ચીન પર ટેરિફ વધીને 130 ટકા થઈ જશે. તે જ સમયે, ભારત પર 50 ટકા ડ્યુટી લાગું છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાં અનુસાર, ચીન પર વધુ ટેરિફ લાદવાથી માંગ ભારત તરફ શિફ્ટ થઈ જશે. ટેક્સટાઇલ, ટોય્ઝ અને ઈલેક્ટ્રોનિક્સ જેવાં ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ માટે નિકાસની નવી તકો ઝડપથી વધી શકે છે. આ ઉપરાંત ભારતીય ઉત્પાદનોને સમાન રીતે સ્પર્ધા કરવાની તક મળશે
અમેરિકા સાથેનાં વેપાર કરારોમાં સાવચેતી રાખવી જોઈએ
નિષ્ણાંતોએ એવું પણ અનુમાન લગાવ્યું છે કે, ચીન સાથેનાં વધતાં વેપાર તણાવ વચ્ચે યુ.એસ. અન્ય વેપારી ભાગીદારો સાથેનાં વેપાર કરારોને વેગ આપી શકે છે. નિષ્ણાતો કહે છે કે, ભારતે વાટાઘાટોમાં ખૂબ જ સાવચેત રહેવું પડશે.
નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીટીઆરઆઈ)એ પોતાનાં રિપોર્ટમાં કહ્યું છે કે ભારતે અમેરિકા સાથે સમાન સ્તર પર વાટાઘાટો કરવી જોઈએ અને કોઈ સમજૂતીમાં ઉતાવળ ન કરવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પરસ્પર લાભની ખાતરી કરતી વખતે તેની આર્થિક અને વ્યૂહાત્મક સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઈએ.
ચીને ખનિજો પરનાં પ્રતિબંધનો બચાવ કર્યો
ચીને દુર્લભ ખનિજો અને આવી અન્ય વસ્તુઓની નિકાસ પર અંકુશ લગાવવાના નિર્ણયનો બચાવ કર્યો છે અને તેને વૈશ્વિક શાંતિની સુરક્ષા માટે કાયદેસરનું પગલું ગણાવ્યું છે.
બેઇજિંગે જણાવ્યું હતું કે, કેટલીક વિદેશી કંપનીઓ લશ્કરી હેતુઓ માટે ચીનથી મેળવેલી સામગ્રીનો ઉપયોગ કરી રહી છે તેવી ચિંતાના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનના નિકાસ નિયંત્રણો ‘નિકાસ પ્રતિબંધો નથી’ અને લાયક અરજીઓ માટે લાઇસન્સ આપવામાં આવશે.