રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થતાં તેમજ વૈશ્વિક સ્તરે સકારત્મક સંકેતો મળતા વૈશ્વિક અર્થતંત્ર આગામી દિવસોમાં પુનઃવિકાસની પટરી પર આવવાની અપેક્ષાએ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઓઈલની ચાઈના ફરી ખરીદી કરી શકે છે, એવા કરેલા નિવેદને ક્રુડ ઓઈલના ભાવ વધુ ઘટતાં અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ફરી મોટી તકો ઊભી થવાની અપેક્ષાએ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી જોવા મળી હતી.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં નોંધાયેલી તેજી હવે અટકતા યુદ્ધ વિરામની જાહેરાતથી ક્રૂડના ભાવમાં ઘટાડો તેમજ વિવિધ રેટિંગ એજન્સીઓએ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યું હોવાનો આશાવાદ દર્શાવતા, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬%થી વધુ રહેવાની સંભાવના અને ચોમાસુ પણ સામાન્ય રહેતાં ગ્રામીણ માંગ વધવાની શક્યતા સાથે સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોએ ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ ચીફ પોવેલ દ્વારા સેનેટ અને હાઉસ સમક્ષ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેતો સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ભૌગોલિક રાજકીય તણાવ અને વેપાર અનિશ્ચિતતા વચ્ચે બજારમાં ઉથલપાથલ હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એ વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ભારતીય શેરબજારમાં રૂ.૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના રોકાણમાં અસ્થિરતા હોવા છતાં, બજારોને સ્થાનિક રોકાણકારો તરફથી મદદ મળી હતી. ડેટા દર્શાવે છે કે ઋઈંઈં એ પ્રથમ છ મહિનામાં કુલ રૂ.૧.૩ લાખ કરોડના શેર વેચ્યા, જે વર્ષ ૨૦૨૨ પછીનું તેમનું સૌથી મોટું વેચાણ છે. જ્યારે નાના રોકાણકારોએ ૬ મહિનામાં રૂ.૧૨,૭૫૪ કરોડના શેર ખરીદ્યા હતા.
સ્થાનિક સંસ્થાઓના ઇક્વિટી ફાળવણીમાં સ્થિરતા હતી. તેનું મુખ્ય કારણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) દ્વારા રિટેલ ભાગીદારીમાં વધારો છે. ઉપરાંત, કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં મિડ અને સ્મોલકેપ શેરના ભાવમાં ઘટાડાને કારણે ખરીદીમાં વધારો થયો છે. મે મહિનામાં માસિક સિપ રોકાણ વધીને રૂ.૨૬,૬૮૮ કરોડ થયું હતું, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૮%નો વધારો દર્શાવે છે. ડેટા અનુસાર, શેરબજારમાં સીધા રોકાણ કરનારા નાના રોકાણકારોએ ૬ મહિનામાં રૂ.૧૨,૭૫૪ કરોડના શેર ખરીદ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ ૬.૬% વધીને ૨૫૨૦૦ પોઈન્ટ પર પહોંચ્યો જ્યારે ૩૦ શેરનો સેન્સેક્સ પ્રથમ અર્ધવાર્ષિકમાં ૫.૭%ના વધારા સાથે ૮૨૬૦૦ પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન લગભગ યુદ્ધની ધાર પર હતા. પાછળથી, ઈરાન અને ઇઝરાયલના હુમલાઓને કારણે પશ્ચિમ એશિયામાં વધતા તણાવથી બજારો હચમચી ગયા અને અમેરિકા પણ તેમાં કૂદી પડયું હતું. આ બધા વચ્ચે, વૈશ્વિક રોકાણકારો બજારથી અંતર જાળવી રહ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ વિશ્વાસ જાળવી રાખ્યો હતો. મજબૂત મેક્રો ઇકોનોમિક વાતાવરણે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભાવનાને મજબૂત બનાવવામાં મદદ કરી છે. સિપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે રોકાણકારોની જાગૃતિ વધી છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી તેમજ ૨૬ જુન ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૯૭૬૫.૪૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી તેમજ ૨૬ જુન ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૯૨૩.૪૬ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના અર્થતંત્રના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) ગ્રોથ ૬.૩%થી વધુ રહેશે. જીડીપીની ગણતરી દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્ય પરથી નક્કી થાય છે, જ્યારે જીવીએ ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યમાંથી મધ્યવર્તી માલ અને સેવાઓની કિંમત બાદ કરીને મેળવવામાં આવે છે.
વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ સાથે ઈકરા રેટિંગ એજન્સીએ ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો ૪.૨%થી વધુ રહેવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે. ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે. કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે ઈએમઆઈમાં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે, ઉપરાંત સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત સાથે ગ્રામીણ માંગ પણ મજબૂત રહેવાની શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)ઇન્ફોસીસ લિમિટેડ (૧૬૨૨) : કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટર સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૫૮૮ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૫૭૩ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૬૩૭ થી રૂા.૧૬૪૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૬૫૦ ઉપર તેજી તરફ ધ્યાન…!!
(ર)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૫૨૦) : રિલાયન્સ ગુ્રપના આ સ્ટોક રૂા.૧૪૮૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૫૩૭ થી રૂા.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)સિપ્લા લિમિટેડ (૧૫૧૪) : રૂા.૧૪૯૦નો પ્રથમ તેમજ રૂા.૧૪૮૪ બીજા સપોર્ટથી ફાર્મા સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૫૩૭ થી રૂા.૧૫૫૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!
(૪)અદાણી પોર્ટ (૧૪૫૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટર નો આ સ્ટોક રૂા.૧૪૭૭ આસપાસ વેચવાલી થકી રૂા.૧૪૩૩ થી રૂા.૧૪૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૧૪૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!
(પ)ભારત ફોર્જ (૧૩૧૪) : રૂા.૧૩૩૭ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૩૪૪ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૨૯૭ થી રૂા.૧૨૮૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)ઓરબિન્દો ફાર્મા (૧૧૩૦) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૧૫૭ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૧૦૭ થી રૂા.૧૦૯૩ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)આરઈસી લિ. (૪૦૬) અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૨૭ થી રૂ.૪૩૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)જ્યુપિટર વેગન્સ (૩૮૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૬૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)જેકે પેપર (૩૬૯) : રૂ.૩૫૩ નો પ્રથમ તેમજ રૂ.૩૪૪ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૮૮ થી રૂ.૩૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪)મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૩૪૦) : લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૫૪ થી રૂ.૩૬૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫)એનટીપીસી લિ. (૩૩૯) : રૂ.૩૧૪ નો પ્રથમ તેમજ રૂ.૩૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૩૫૩ થી રૂ.૩૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૩૨૯) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૦૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૪૪ થી રૂ.૩૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) KIOCL લિ. (૨૯૬) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)પાવર ગ્રીડ કોર્પોરેશન (૨૯૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ પાવર – ટ્રાન્સમિશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૪ આસપાસ રોકાણકારે રૂ.૩૦૯ થી રૂ.૩૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૭૫ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)ઝોડિયાક ક્લોધિંગ કંપની (૧૦૯) : ગાર્મેન્ટ્સ એન્ડ એપેરલ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૧૭ થી રૂ.૧૨૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૨) SBFC ફાઈનાન્સ (૧૦૫) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનાં આ સ્ટોકને ૯૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવા-લાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૧૧૬ થી રૂ.૧૨૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩)નેશનલ ફર્ટિલાઈઝર્સ (૧૦૧) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૦ નો પ્રથમ તેમજ રૂ.૮૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફર્ટિલાઈઝર્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૧૦૮ થી રૂ.૧૧૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) IDBI બેન્ક (૯૭) : રૂ.૮૮ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
જૂન માસમાં ભારતના ખાનગી ક્ષેત્રએ છેલ્લા ૧૪ મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવી…!!
જૂન ૨૦૨૫માં, ભારતના ખાનગી ક્ષેત્ર (એટલે કે ખાનગી કંપનીઓ)એ છેલ્લા ૧૪ મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવી છે. તેનું કારણ નવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં ઝડપી વધારો હતો. ઇંજઇઈ અને એસપી ગ્લોબલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે (ફ્લેશ ઇન્ડિયા કમ્પોઝિટ પીએમ આઈ)માં આ માહિતી સામે આવી છે. ઇન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ મે મહિનામાં ૫૯.૩ થી જૂનમાં વધીને ૬૧ થયો હતો. જો આ આંકડો ૫૦ થી ઉપર હોય,તો તેનો અર્થ એ છે કે વ્યવસાયમાં વૃદ્ધિ થઈ રહી છે.
આ સતત ૪૭મો મહિનો છે જ્યારે આ ઇન્ડેક્સ ૫૦ થી ઉપર રહ્યો છે. આ ઇન્ડેક્સ મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્રની કુલ પ્રવૃત્તિઓને માપે છે. જેમાં નવા ઓર્ડર, ઉત્પાદન, રોજગાર અને ઇન્વેન્ટરી જેવા પરિબળોમાં સુધારો જોવા મળ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સેવા ક્ષેત્રનો વિકાસ ઉત્પાદન ક્ષેત્ર કરતા થોડો ઓછો હતો,પરંતુ ત્યાં પણ સુધારો થયો છે. ટેકનોલોજી, કાર્યક્ષમતા અને માંગમાં રોકાણને કારણે ઉત્પાદનમાં સારો ઉછાળો આવ્યો છે. જૂનમાં ભારતના ખાનગી ક્ષેત્રે ઝડપથી વિકાસ થયો છે,ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે. આંતરરાષ્ટ્રીય માંગ અને ઓર્ડરમાં વધારો આ પાછળનું મુખ્ય કારણ છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઓર્ડર બેકલોગ અને માંગમાં વધારો થવાને કારણે કંપનીઓએ જૂનમાં નવી ભરતી કરી હતી. ઉત્પાદન ક્ષેત્રમાં પૂર્ણ-સમય અને પાર્ટ-ટાઇમ નોકરીઓમાં વધારો થયો હતો,જે અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ સ્તર છે. સેવા ક્ષેત્રમાં ભરતી થોડી નબળી રહી પરંતુ સકારાત્મક વલણ ચાલુ છે. કિંમતો હજુ પણ વધી રહી છે,પરંતુ તેની ગતિ ધીમી પડી છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં ઇનપુટ અને આઉટપુટ બંનેના ભાવ વધી રહ્યા છે, પરંતુ તેમની વૃદ્ધિની ગતિ થોડી ધીમી પડી છે. આનાથી ફુગાવાના મોરચે થોડી રાહત મળવાની અપેક્ષા છે. અંતિમ ઉત્પાદન પીએમઆઈ રિપોર્ટ ૧ જુલાઈના રોજ આવશે. જ્યારે સેવા ક્ષેત્રનો રિપોર્ટ ૩ જુલાઈના રોજ બહાર પાડવામાં આવશે.
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સ્થિતિ સ્થાપક જળવાઈ રહ્યું…!!
વૈશ્વિક આર્થિક, વેપાર તથા ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સ્થિતિ સ્થાપક જળવાઈ રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પરિવર્તનની સ્થિતિમાં છે. અનિશ્ચિત વેપાર નીતિ અને ભૌગોલિક રાજકીય તાણમાં વધારાનો વૈશ્વિક અર્થતંત્ર સામનો કરી રહ્યું છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં જણાવાયું છે. હાલની વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે મે,૨૦૨૫ માટેના વિવિધ હાઈ-ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ ભારતમાં ઔદ્યોગિક તથા સેવા ક્ષેત્રમાં સ્થિતિ સ્થાપક સ્થિતિના સંકેત આપે છે.સ્થાનિક સ્થળે ફુગાવો પણ ઘટી રહ્યો છે અને રિટેલ ફુગાવો મેમાં સતત ચોથા મહિને ટાર્ગેટ સ્તરથી નીચે રહ્યો છે. ૨૦૨૪-૨૫ની કૃષિ મોસમમાં સ્થાનિક સ્થળે પાકનું વિક્રમી ઉત્પાદન ખાદ્ય પદાર્થના ફુગાવાને સતત ઘટાડી રહ્યું છે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારતે સૌથી વધુ વિકાસ દર હાંસલ કર્યો છે. આ ઉપરાંત ટેરિફમાં કામચલાઉ સ્થગિતતા તથા વેપાર કરાર દેશની નાણાં બજારોમાં માનસને મજબૂત રાખી રહ્યા છે એમ પણ બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.
મોબાઈલ ફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૭૪% વધી ૩.૦૯ અબજ ડોલર રહી…!!
વર્તમાન વર્ષના મે માસમાં ભારત ખાતેથી મોબાઈલ ફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૭૪% વધી ૩.૦૯ અબજ ડોલર રહી છે. ગયા વર્ષના મેમાં આ આંક ૧.૭૮ અબજ ડોલર રહ્યો હતો. વર્તમાન વર્ષના માર્ચમાં ૩.૧૦ અબજ ડોલરની નિકાસ સૌથી ઊંચી નિકાસ બાદ મેનો આંક અત્યાર સુધીનો બીજો મોટો નિકાસ આંક છે એમ મોબાઈલ ઉદ્યોગ દ્વારા સરકારને સુપરત કરાયેલી માહિતીમાં જણાવાયું છે.
અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ થાય તે પહેલા જ ભારત ખાતેથી મોબાઈલ ફોનની નિકાસમાં ઝડપ જોવા મળી હતી. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનાની વાત કરીએ તો મોબાઈલની એકંદર નિકાસ વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધી ૫.૫૦ અબજ ડોલર રહી છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશમાંથી દર મહિને મોબાઈલ ફોનનો નિકાસ આંક બે અબજ ડોલરથી વધુ જોવા મળી રહ્યો છે. પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ મોબાઈલની નિકાસ વધારવાનું એક કારણ રહ્યું હોવાનું મોબાઈલ ફોન ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા આઠ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ બમણી થઈ…!!
કુલ બેંક થાપણોના ટકાવારી તરીકે મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિ છેલ્લા આઠ વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે, જે રોકાણકારોની ઇક્વિટી અને અન્ય નાણાકીય સંપત્તિઓ માટે વધતી જતી ઇચ્છા શક્તિ દર્શાવે છે. મે ૨૦૨૫ સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિ એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ૭૨.૨ લાખ કરોડ રુપિયા હતી,જે કુલ બેંક થાપણોના લગભગ ત્રીજા ભાગ (રૂ. ૨૩૨ લાખ કરોડ) હતી.
૨૦૧૭ થી તેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે,જ્યારે ભંડોળની એયુએમ બેંક થાપણોના માત્ર ૧૬ ટકા હતી. કોરોના દરમિયાન ટૂંકા ઘટાડાને બાદ કરતાં, આ આંકડો સતત વધ્યો છે. કોરોના પછીના સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ કરીને મજબૂત વૃદ્ધિ જોવા મળી છે,જે મુખ્યત્વે ઇક્વિટી બજારોમાં મજબૂત તેજી દ્વારા પ્રેરિત છે. આ વૃદ્ધિ બે મોરચે વૃદ્ધિને કારણે થઈ હતી. હાલના પોર્ટફોલિયો પર માર્ક-ટુ-માર્કેટ લાભ અને નવા રોકાણકારોનો ઉમેરો. માર્ચ ૨૦૨૦ થી ફંડ્સની એયુએમ ત્રણ ગણી વધી છે.
મે માસમાં ભારતના આઠ મુખ્ય ઉદ્યોગોની ઉત્પાદન વૃદ્ધિમાં ઘટાડો…!!
ભારતના આઠ મુખ્ય માળખાગત ઉદ્યોગોની ઉત્પાદન વૃદ્ધિ મે મહિનામાં ઘટીને ૦.૭% થઇ હતી,જે છેલ્લા નવ મહિનામાં સૌથી નીચો છે. એપ્રિલમાં આ આંકડો ૧% હતો અને આ વખતે અડધા ક્ષેત્રોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા નવ મહિનામાં પહેલીવાર, વીજળી ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને તે મે મહિનામાં ૫.૮% ઘટયો હતો,જે જૂન ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ૧.૮%નો ઘટાડો થયો હતો,જે સતત પાંચમા મહિનામાં ઘટયું હતું.
ખાતર ઉત્પાદનમાં સતત બીજા મહિનામાં ઘટાડો થયો છે અને તે મે મહિનામાં ૫.૯% ઘટયું હતું,જે ગયા વર્ષે ફેબ્રુઆરી પછીનો સૌથી તીવ્ર ઘટાડો છે. કુદરતી ગેસનું ઉત્પાદન સતત ૧૧ મા મહિનામાં ઓછું રહ્યું હતું અને ૩.૬% ઘટયું હતું. સકારાત્મક બાજુએ, મે મહિનામાં સિમેન્ટ ઉત્પાદનમાં સુધારો થયો અને તે મે મહિનામાં ૯.૨%વધ્યું હતું,જે એપ્રિલમાં છ મહિનાના નીચલા સ્તર ૬.૩% થી સુધર્યું છે. સ્ટીલ ઉત્પાદનમાં પણ વધારો થયો અને મે મહિનામાં ૬.૭%નો વધારો જોવા મળ્યો,જે એપ્રિલમાં માત્ર ૪.૪% હતો.
જો કે ઉત્પાદનનો આંકડો એપ્રિલમાં સૌથી નીચો હતો. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, આ સ્પષ્ટ કરે છે કે માળખાગત પ્રવૃત્તિઓમાં વેગથી સ્ટીલ ઉત્પાદનમાં સુધારો જોવાયો છે. બાંધકામ અને વાહનો ઉપરાંત,મૂડી માલની માંગને આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણાવી શકાય છે. સિમેન્ટે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે, જે મૂડી ખર્ચમાં સરકારની પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે. કોલસા ઉત્પાદનનો વિકાસ દર એપ્રિલમાં ૩.૫%થી થોડો ઘટીને ૨.૮%થયો છે. જ્યારે રિફાઇનરી ઉત્પાદનોનું ઉત્પાદન એપ્રિલમાં ૪.૫% ઘટયા પછી મે મહિનામાં ૧.૧% વધ્યું હતું.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!