Vadodara,:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સમગ્ર સભામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા તળાવનો મુદ્દો ફરી પાછો ઉઠાવવામાં આવ્યો હતો. આ તળાવમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી લાઈનનું સીધું જોડાણ હોવાથી વરસાદી પાણીમાં વહેતા ગટરના પાણી તળાવમાં ઠલવાતા રહેતા તળાવ બારેમાસ દૂષિત પાણીથી ભરાયેલું રહે છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ મુદ્દે અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી. પાલિકા દ્વારા એક બાજુ તળાવના બ્યુટીફિકેશન કરવાની સાથે તેને ઊંડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના મધ્યમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવ વગર વરસાદે ઓવર ફ્લો થાય તેવું છે. બારે મહિના મસિયા કાંસમાં ડ્રેનેજના પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવે છે. આ પાણી તળાવમાં ઠલવાય છે. જેના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીની સાથે તળાવના ડ્રેનેજના પાણી લોકોના ઘરમાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી નક્કર કામગીરી કરવામાં આવી નથી. લાલબાગ પાણીની ટાંકીની બાજુમાં આવેલ વર્ષો જૂનું રેલવે ટ્રેક પાસેનું તળાવનુ પુરાણ થઈ રહ્યું છે. આ તળાવનું પુરાણ થશે તો પાણી નિકાલનો પ્રશ્ન પણ ગંભીર બની જશે.