America,29
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વૃદ્ધ નેતાઓ પર નિશાન સાધતા વૈશ્વિક રાજકારણમાં નવો વિવાદ જન્માવ્યો છે. તેમણે ટીકાત્મક ટિપ્પણી કરી કે વિશ્વની 80 ટકા સમસ્યાઓનું મૂળ કારણ વૃદ્ધ નેતાઓનો સત્તા પરનો કબજો છે.
આ નિવેદનને 77 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમણે તાજેતરમાં વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. ઓબામાની આ ટિપ્પણીએ વૈશ્વિક નેતૃત્વ અને જવાબદારીના મુદ્દે ચર્ચા ઉભી કરી છે.
લંડનમાં બ્રિટિશ ઇતિહાસકાર ડેવિડ ઓલુસોગા સાથેની વાતચીતમાં 64 વર્ષીય ઓબામાએ કહ્યું કે વિશ્વની મોટાભાગની સમસ્યાઓની પાછળ વૃદ્ધ નેતાઓની સત્તા જાળવી રાખવાની મનોવૃત્તિ જવાબદાર છે.
તેમણે મજાકમાં કહ્યું કે આવા નેતાઓ `પિરામિડ’ સહિત દરેક વસ્તુ પર પોતાનું નામ લખાવવા માગે છે. આ ટિપ્પણી ટ્રમ્પ પર સીધો પ્રહાર માનવામાં આવે છે, જેમણે તાજેતરમાં વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડની તૈનાતીનો બચાવ કર્યો હતો અને પોતાને તાનાશાહ નહીં, પરંતુ બુદ્ધિશાળી નેતા ગણાવ્યા હતા.
ઓબામાએ આ પહેલા 2019માં પણ વૃદ્ધ નેતાઓની સત્તા ન છોડવાની વૃત્તિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે વિશ્વની સમસ્યાઓનું એક મોટું કારણ એવા નેતાઓ છે, જે સત્તા છોડવા તૈયાર નથી.
નેતાઓએ યાદ રાખવું જોઈએ કે, તેઓ જનતાની સેવા માટે છે, નહીં કે આજીવન સત્તા કે વ્યક્તિગત મહત્વ વધારવા માટે. આ નિવેદનો હવે ફરી ચર્ચામાં આવ્યા છે, જે ટ્રમ્પની નીતિઓ અને નેતૃત્વ શૈલી પર પ્રશ્નો ઉભા કરે છે.