Georgia,તા.22
યુએસમાં ક્રિમિનલ એક્ટિવિટીમાં સંકળાયેલા ગુજરાતીઓના પકડાવાનો સિલસિલો ચાલુ જ છે, આ ઘટનાક્રમમાં ભાર્ગવ પટેલ નામના વધુ એક ગુજરાતી યુવકની ધરપકડ કરવામાં આવી છે. જ્યોર્જિયામાં ક્રાઈમ કરનારો ભાર્ગવ સાઉથ કેરોલાઈનામાં રહેતો હતો અને ત્યાં જ તેને અરેસ્ટ કરાયા બાદ જ્યોર્જિયા લાવવામાં આવ્યો હતો.
જ્યોર્જિયાની જોન્સ કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર સાઉથ કેરોલાઈનાનો આરોપી એક વૃદ્ધ કપલ પાસેથી મોટી રકમ પડાવવા માટે આવ્યો હતો, ગત સપ્તાહે બનેલી આ ઘટનામાં વિક્ટિમ કપલનો સ્કેમર્સ દ્વારા કોન્ટેક્ટ કરીને એમ જણાવાયું હતું કે બેંક અકાઉન્ટમાં પડેલી તેમની સેવિંગ્સ સેફ નથી.
આ કપલને તમામ રકમ વિડ્રો કરી લઈ તેને સલામત રાખવા માટે તેમના ઘરે આવનારા એક વ્યક્તિને સોંપી દેવા માટે જણાવાયું હતું, આ વાતથી ડરી ગયેલા વૃદ્ધ કપલે સ્કેમર્સના કહ્યા અનુસાર પૈસા વિડ્રો કરી પણ લીધા હતા પરંતુ તેઓ પોતાના ઘરે આવનારા કુરિયરને આ રકમ સોંપે તે પહેલા જ તેમના અન્ય ફેમિલી મેમ્બર્સને તેના વિશે જાણ થઈ જતાં પૈસા લેવા આવનારા ભાર્ગવ પટેલનો તેમણે પીછો કરીને તેની ગાડીનો નંબર નોંધી લઈ પોલીસને તમામ વિગતો આપી દીધી હતી.
કારની લાઈસન્સ પ્લેટના નંબરના આધારે પોલીસ ભાર્ગવ સુધી પહોંચી હતી જેની સાઉથ કેરોલાઈનાની એન્ડરસન કાઉન્ટી શેરિફ ઓફિસની મદદથી ધરપકડ કરવામાં આવી હતી, હાલ ભાર્ગવ જ્યોર્જિયાની જોન્સ કાઉન્ટી શેરિફ ઓફિસની કસ્ટડીમાં છે અને તેના પર વૃદ્ધ વિક્ટિમને ડરાવવા-ધમકાવવા ઉપરાંત ખોટી ઓળખ આપી ચોરી કરવાના પ્રયાસ સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે.