Ahmedabad,તા.31
રાજય સરકારે એક અસામાન્ય પગલામાં ચેરીટી કમિશ્નર આર.વી.વ્યાસના કેસ સાંભળવા-ચલાવવા તથા ચુકાદો આપવાના અધિકાર પાછા ખેંચી લીધા છે અને તેમના હસ્તકના કેસો અન્ય અધિકારીઓને સોંપી દીધા છે.
એટલું જ નહીં તેમના દ્વારા અપાયેલા ચુકાદા રદ કરી નાખ્યા છે તેમજ રાજકોટ તથા અમદાવાદના સંયુક્ત ચેરીટી કમિશ્નરના વધારાના ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
ચેરીટી કમિશ્નરની સતા આંચકી લેવામાં આવી હોય તેવો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવે છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે ચેરીટી કમિશ્નર કચેરીની કાર્યવાહી તથા નીતિરીતિ સામે રાજય સરકારને અનેક ફરિયાદો મળી હતી.
નિયત સમયમર્યાદામાં કેસોનો નિકાલ કરાતો ન હોવાથી જુના કેસોનો ભરાવો થયાનો પણ ઉહાપોહ હતો. ગુજરાત ચેરીટી બાર એસોસીએશને પણ સરકાર તથા કાયદા વિભાગને રજુઆત કરીને લેખિત આવેદનપત્ર સુપરત કર્યુ હતું.
ચેરીટી કમિશ્નર વ્યાસને નિવૃતિ પુર્વે જ કમિશ્નર તરીકેનું પ્રમોશન અપાયુ હતું તથા કાર્યકાળ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો હતો. સૂત્રોએ કહ્યું કે અમદાવાદની ભાગોળે એક ધાર્મિક સ્થળ દુર કરવા તથા પ્રતિમા સ્થાપનના અધિકાર મામલે બે જૂથોના કાનૂની વિવાદમાં તેઓએ આપેલા ચુકાદાને પગલે આ કાર્યવાહી થયાની શંકા છે.
રાજયના કાયદા વિભાગના નાયબ સચીવ એ.કે.ગોહિલની સહીથી જારી થયેલા આદેશમાં જણાવાયા મુજબ ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ 1950ની કલમ 8 હેઠળના અધિકાર રદ કરવામાં આવે છે.
સરકારી આદેશમાં જણાવાયા પ્રમાણે વ્યાસના ચેરીટી કમિશ્નર તથા જોઈન્ટ ચેરીટી કમિશ્નરનો અમદાવાદનો હવાલો વડોદરાના જોઈન્ટ ચેરીટી કમિશ્નર ડો.યોગીની સીમ્પીને સોંપવામા આવ્યો છે જયારે રાજકોટના જોઈન્ટ ચેરીટી કમિશ્નરનો ચાર્જ ભાવનગરના જોઈન્ટ ચેરીટી કમિશ્નર સી.કે.જોશીને સોંપવામાં આવ્યો છે.
સૂત્રોએ કહ્યું કે, અનેક વકીલો તથા પક્ષકારોએ વ્યાસ ઓફિસમાં મોડા આવતા હોવાની તથા બપોરે 12.30 થી 2 વાગ્યા સુધી જ સુનાવણી કરતા હોવાની ફરિયાદ કરી હતી.
ઉપરાંત બપોરે ત્રણ વાગ્યા પછી કયારેય કોર્ટરૂમમાં હાજર રહેતા ન હોવાની ફરિયાદ કરી હતી. જેના પરિણામે 200થી વધુ કેસોનો ભરાવો થયાનું પણ કહેવાયું હતું. એન્ટી કરપ્શન બ્યુરો તથા વિજીલન્સ વિભાગને પણ ફરિયાદો મળી હતી.