Jamnagar તા.29
જામનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ હાપા માર્કેટીંગ યાર્ડમાં નવા વર્ષના મગફળીના તૈયાર પાકની પ્રથમ વખત અવક થયા બાદ પ્રથમ દિવસે ખેડુતોને મગફળીનો મણનો ભાવ રૂ.800થી 1905 સુધીનો મળ્યો હતો. આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના મણના ટેકાના રૂ.1,45રના ભાવે ખરીદી થાય તો સરકારને મગફળી વેંચવા ખેડુતોમાં વ્યાપક આતુરતા છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જીણી અને જાડી બે ક્વોલિટીની મગફળીની 6855 ગુણીઓ એટલે કે, 11,996 મણ મગફળીની આવક થઈ હતી. કુલ 115 ખેડુતો મગફળી વેંચવા આવ્યા હતા. મગફળીની હરરાજીના પ્રથમ દિવસે જીણી મગફળીના મણના ભાવ રૂ.1000થી 1100 અને જાડી મગફળીના મણના ભાવ રૂ.800થી 1000ના તેમજ 66 નંબરની મગફળીના મણના ભાવો રૂ.900થી 1605ના રહ્યા હતા.
મગફળી ઉપરાંત યાર્ડમાં ઘઉં, અડદ, ચણા, લસણ, કપાસ, જીરુ, અજમો, અજમાની ભુસી, સુકી ડુંગળી, સોયાબીન સહિતની જણસોની કુલ 10,436 ગુણીઓ એટલે કે, 21,477 મણ જણસોની આવક થઈ હતી. જે સામે 10,064 મણ જણસોના સોદા થયા હતા. તા.28ના રોજ કુલ 307 ખેડુતો યાર્ડમાં માલ વેંચવા આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે જામનગર જિલ્લામાં 49 હજાર ખેડુતો ટેકાના ભાવે મગફળી વેંચવા માટે નોંધાયા હતા. પરંતુ આ વર્ષે મગફળીનું 2 લાખ 64,622 હેકેટરમાં વાવેતર થયેલું હોવાથી ટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડુતોની સંખ્યા 2 લાખ 1 હજારની થઈ છે. તેથી સંખ્યાબંધ ખેડુતો સરકારી ખરીદી શરૂ થાય તેની રાહમાં છે.

