ચેલુવ ગોવ્ડાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મહાઅવતાર નરસિમ્હા રજૂ કરતા તેઓ ખુબ ગૌરવ અનુભવે છે
Mumbai, તા.૧૪
ફિલ્મ મેકર અશ્વિન કુમારની ડિરેક્ટર તરીકે ડેબ્યુ ફિલ્મ ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’એ બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધી છે. એવી પહેલી એનિમેશન ફિલ્મ છે જેણે ભારતમાં ૧૦૦ કરોડનું લક્ષ્ય પાર કરી દીધું છે. આ ફિલ્મે ભારતમાં સૌથી વધુ કમાણી કરી છે. સાથે જ ભારતમાં એનિમેશન ફિલ્મના ભવિષ્ય માટે એક નવી રાહ ચીંધી છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને હોમ્બેલ ફિલ્મ્સના ચેલુવ ગોવ્ડાએ જાહેરાત કરી છે કે તેઓ મહાવતાર સિનેમેટીક યુનિવર્સની બીજી ફિલ્મ બનાવશે.ચેલુવ ગોવ્ડાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મહાઅવતાર નરસિમ્હા રજૂ કરતા તેઓ ખુબ ગૌરવ અનુભવે છે. જ્યારે ડિરેક્ટર અશ્વિન કુમાર અને શિલ્પા અમને મળવા આવ્યા ત્યારે અમને ખબર પડી ગઈ હતી કે આ કશુંક જોરદાર છે, પરંતુ અમને આટલી મોટી સફળતાની કલ્પના પણ નહોતી. દર્શકોના પ્રેમે બધી જ હદ પાર કરી દીધી છે. અમને આ ફિલ્મની વાર્તા અને તેનાં વિઝનમાં વિશ્વાસ હતો પરંતુ તે જે રીતે દરેક ઉમરના દર્શકોને સ્પર્ષી શકી તે જોઈને અમને અંતરથી ખુશી થઈ છે. કંતારા સાથે ફિલ્મની સરખામણી અંગે તેમણે જણાવ્યું, “કંતારાના હિન્દી વર્ઝનને અમે પાર કરી ગયા છીએ, હોમ્બેલ ફિલ્મ્સ માટે આ ગૌરવની વાત છે. કંતારા અને મહાવતાર નરસિમ્હા બંને અલગ ક્રિએટીવ ફિલ્મ છે, કંતારા લોકકહાની પર આધારીત હતી અને નરસિમ્હા એક પૌરાણિક દંતકથા છે. બંને ફિલ્મ સારી ચાલી તો સરખામણી સ્વાભાવિક છે, પરંતુ અમારા માટે દરેક નવી ફિલ્મ સાથે આ સીમાઓને વધુ વિસ્તારવી અને દર્શકો અમને ખુલા દિલથી સ્વીકારી રહ્યા છે એ વાતથી ગૌરવ અનુભવવું મહત્વનું છે.” ફિલ્મના બજેટ અંગે તેમણે જણાવ્યું કે, ફિલ્મ ગુણવત્તાવાળી બનાવવી હોય તો ખર્ચ થવાનો જ છે. આ મહત્વાકાંક્ષી ફિલ્મ હતી, તો ખર્ચમાં કોઈ સમાધાન ન ચાલે. આ ફિલ્મ બનતા ચાર વર્ષ લાગ્યા છે અને પહેલી ફિલ્મ બનાવતી વખતે ટીમ ઘણું શીખી છે. તેથી બીજી ફિલ્મ હવે વધુ ઝડપથી આવશે. અશ્વિન કુમારે બીજી ફિલ્મની તૈયારી શરૂ પણ કરી દીધી છે, બે વર્ષની અંદર બીજું ચેપ્ટર પણ આવી જવું જોઈએ.