4 લાખનો ચેક રિટર્ન કેસમાં બે ભાગીદારોના એક વર્ષની સજા રૂા. ૮ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો
Tankara,તા.08
ટંકારાની પેપર કોર્ન પેઢીના રૂ. ચાર લાખનો ચેક રિટર્નના કેસમાં ટ્રાયલ કોર્ટના સજા અને ડબલ રકમના વળતરના હુકમ સામે આરોપી હિંમતનગરની પેઢીના બંને ભાગીદારોની અપીલ સેશન્સ કોર્ટે નામંજુર કરી ટ્રાયલ કોર્ટના સજા વળતરના હુકમ કાયમ રાખી બંને ભાગીદારોના જામીન રદ કરી જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, ટંકારા પંથકની મેસર્સ સ્વસ્તીક પેપર કોર્નના નામથી ચાલતી ભાગીદારી પેઢીને હિંમતનગર વિસ્તારની સન ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીએ ધંધાકીય વ્યવહાર માટે બાકી નીકળતી લેણી રકમ બાબતે રૂ. ૪ લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાંથી વણચુકવ્યે પરત ફર્યો હતો. તેથી સ્વસ્તીક પેપર કોર્ન વતી સન ઈન્ડસ્ટ્રીઝ પેઢીના ભાગીદારો સામે ટંકારા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં કેસ દાખલ કરતા અદાલતે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – ૧૩૮ મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની ડબલ રકમના રૂા. ૮ લાખ વળતર પેટે ચુકવી આપવા, જો આરોપીઓ વળતર ચુકવવામાં કસુર કરે તો આરોપીઓને અલગથી ત્રણ મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ટંકારા કોર્ટના આ હુકમથી નારાજ સન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ ફોજદારી અપીલ દાખલ કરી હતી.આ અપીલના કામે ફરિયાદપક્ષના વકીલ અભિષેક એન. શુકલની ભારપુર્વકની દલીલ તથા લેખિત રજુઆત કરવામાં આવેલ કે ફરિયાદી પક્ષ દ્વારા જે પુરાવો રજુ કરવામાં આવેલ જે પુરાવાનું આરોપી પક્ષ ખંડન કરી શકયો નથી, તેમજ રજુ કરેલ સર્વોચ્ચ અદાલતના અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાંના સિધ્ધાંતોને ધ્યાને લઇ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સન ઈન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારોની અપીલ નામંજુર કરી ભાગીદાર મહીત વેદપ્રકાશભાઈ પટેલ તથા વિપુલભાઈ વીરચંદભાઈ પટેલને તકસીરવાર ઠરાવવાનો ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખી આરોપીનું જામીન ખત રદ કરી કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવેલ છે તથા ચેકની ડબલ રકમ એટલે રૂા. ૮ લાખ વળતર પેટે ચુકવી આપવા તથા જેલ વોરંટ ભરીને જેલ હવાલે કરાવા હુકમ ફરમાવ્યો છે.