અમેરિકામાં ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્શન નહીં થતું હોવાનો અફસોસ ટ્રમ્પ અનેક વખત જાહેર કરી ચૂક્યા છે
Washington તા.૧૦
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્મ્પે ફાર્માસ્યુટિકલ્સ આયાતને પણ ટેરિફ હેઠળ સમાવી લેવાનું એલાન કર્યું છે. અમેરિકામાં મોટાભાગની દવાઓની આયાત કરવામાં આવે છે, જ્યારે ટ્રમ્પ દવા કંપનીઓ પાસે અમેરિકામાં ઉત્પાદન કરાવવા માગે છે. ટ્રમ્પે પોતાની ટેરિફ નીતિમાં દવાઓને સમાવી લેવાનું એલાન કરતા ભારતના ફાર્મા ઉદ્યોગને માઠી અસર પહોંચી શકે છે.અગાઉ ટ્રમ્પ તંત્ર દ્વારા રેસિપ્રોકલ ટેરિફ નીતિમાં ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટરને બાકાત રખાયા હતા. પોતાની આ નીતિમાં પલટી મારતાં ટ્રમ્પે રિપબ્લિકન સભ્યોની બેઠકમાં જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ્સ પર ટૂંક સમયમાંટેરિફ જાહેર થશે. ટેરિફ લાગુ થયા પછી કંપનીઓ દોડતી અમેરિકામાં આવશે, કારણ કે અમેરિકા મોટું બજાર છે. ફાર્મા ઉદ્યોગ પર ટેરિફના દર અંગે ટ્રમ્પે માહિતી આપી ન હોતી. અમેરિકામાં ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્શન નહીં થતું હોવાનો અફસોસ ટ્રમ્પ અનેક વખત જાહેર કરી ચૂક્યા છે. ટ્રમ્પનું માનવું છે કે, યુદ્ધ અથવા અન્ય કોઈ સમસ્યા આવે તો અમેરિકાને સ્ટીલ અને ફાર્માસ્યુટિકલ્સની જરૂર પડશે જ્યારે અમેરિકામાં આ બંને વસ્તુનું ઘરેલુ ઉત્પાદન થતું નથી. અમેરિકામાં દવાની આયાત કરનારા દેશોમાં ભારત મુખ્ય છે. વર્ષ ૨૦૨૪માં ભારતે ૧૨.૭૨ અબજ ડોલરની દવાની નિકાસ કરી હતી. ભારતમાંથી સૌથી વધુ નિકાસ કરતા ક્ષેત્રોમાં ફાર્મા ઉદ્યોગ મોખરે છે. ૨૦૨૨ના વર્ષમાં અમેરિકામાં લખાતા દર ૧૦માંથી ૪ પ્રિસ્ક્રિપ્શનમાં ભારતીય કંપનીની દવાઓ હતી. ભારતની દવાઓ સસ્તી હોવાના કારણે અમેરિકાની હેલ્થ કેર સીસ્ટમમાં ૨૦૨૨ના વર્ષમાં ૨૧૯ અબજ ડોલરની બચત થઈ હતી. ૨૦૧૩થી ૨૦૨૨ દરમિયાન ભારતના દવા ઉદ્યોગે અમેરિકાને ૧.૩ અબજ ડોલરનો લાભ કરાવ્યો હતો.