Surendranagar તા.14
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વઢવાણના દિવ્યદર્શન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી હનિફ મહંમદભાઈ માણેક (38) ને ઝડપી લીધો છે. તે રતનપર ખાતે રહે છે અને ડ્રાઇવરનું કામ કરે છે.
પોલીસને મળેલી બાતમીના આધારે વઢવાણ ફાટસર બાયપાસ રોડ પરથી આરોપીને પકડવામાં આવ્યો. તેની પાસેથી કુલ રૂ. 2,03,957નો મુદ્દામાલ મળી આવ્યો છે. આ મુદ્દામાલમાં સોનાની બાજુબંધ, બે વીંટી, બે કડી, કાનના લટકણિયા, નાકની ચૂક, ચાંદીના છડા, ચાંદીની લકી અને રોકડ રકમનો સમાવેશ થાય છે.
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ આર.એચ. ઝાલાની આગેવાનીમાં ટીમે આ કામગીરી કરી. આરોપી દિવસ દરમિયાન બંધ મકાનની રેકી કરી રાત્રે તાળાં તોડીને ચોરી કરતો હતો. પોલીસે આરોપીને વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. તેની સામે ઈંઙઈ કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદ પણ લેવામાં આવી હતી.