Surendranagar, તા.30
સુરેન્દ્રનગરથી 4 કિમી દૂર રતનપર મૂળી રોડ ઉપર અંધવિધાલયની બાજુમાં ત્રિમંદિર આવેલું છે. વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલા આ મંદિરમાં દર્શન કરવા માટે અનેક ભાવિકો આવે છે. તેમાં પણ ખાસ કરીને રવિવાર તેમજ વેકેશનના દિવસે તો સૌથી વધુ લોકો આવતા હોય છે.
મંદિરમાં આવેલો સુંદર બગીચો બાળકોથી લઇને સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં હરવા ફરવા માટેના કોઇ ખાસ સ્થળો નથી. બીજી બાજુ અત્યારે બાળકોના વેકેશન ચાલી રહ્યા છે. જેને કારણે મોટા ભાગના ઘરે સગા સંબંધીના સંતાનો વેકેશન કરવા માટે આવતા હોય છે.
ત્યારે ઘરે આવેલા મહેમાનોને ક્યાં લઇ જવા તે મોટો પ્રશ્ન બની જતો હોય છે. આવા સમયે આ ત્રિમંદિર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જતું હોય છે. અહીંયા બાળકોને રમવા માટેના સાધનો, સુંદર અને લીલુ ઘાસમાં પરિવાર સાથે બેસીને લોકો મજા માણે છે. રાત્રીના સમયે મંદિરની રોશની આકર્ષણ લાગે છે. આથી લોકો મોડી રાત સુધી મંદિરમાં રોકાતા હોય છે.




